(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત ચોકબજાર તાપી નદી પરના વોક વે બ્રીજ પરથી શનિવારે સવારે એક વૃધ્ધે તાપીમાં છલાંગ મારી દીધી હતી. રાહદારીની નજર સામે તાપીમાં કૂદકો મરનાર વૃદ્ધને બચાવવા તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ દોડી આવેલા ફાયરના જવાનોએ તાપી નદીના પેટાળમાં રેસ્કયુ કરી વૃદ્ધને બહાર કાઢ્યો હતો છતાં જીવ ન બચાવી શકાતા પોલીસને જાણ કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એક વૃદ્ધ ચોકબજારના વોક વે બ્રીજના નીચે એક થેલી મૂકી તાપીમાં મોતની છલાંગ મારી હતી. જેને લઈ તાત્કાલિક ફાયરને જાણ કરી બોલાવી લીધી હતી. ત્યારબાદ બ્રીજ પરથી મળી આવેલી વૃદ્ધની થેલી ખોલતા તેમાંથી ચંપલ, પાણીની બોટલ, લાકડી, અને એક પડીકું મળી આવ્યું હતું. વયોવૃદ્ધના આપઘાતના પ્રયાસને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ફાયર વિભાગે તાત્કાલિક નદીમાંથી રેસ્કયુ કરી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે ૧૦૮ને કામગીરી સોંપી કાર્ડિયાક મસાજ આપી વૃદ્ધને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.આખરે વૃદ્ધના મોત બાદ પોલીસને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. હાલ અજાણ્યા વૃદ્ધની ઓળખ દિશામાં પોલીસ કામગીરી કરી રહી હોવાનું જાણવા મળે છે.