(એજન્સી) તા.૧૯
આગામી રપ નવેમ્બરે પ્રસ્તાવિત શિવસેના તથા વિશ્વ હિન્દુ પરિષદની રેલી પહેલા આરએસએસ સાથે સંકળાયેલા સંગઠનોએ યુવાઓને એકત્રિત કરવાની શરુઆત કરી દીધી છે. તેઓ અયોધ્યામાં રામમંદિરના મુદ્દાને ફરી વેગ આપવા જઇ રહ્યાં છે. નોંધનીય છે કે શિવસેના તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેલીના આયોજનની જાહેરાત કરવામાં આવતા ફરી તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન લખનૌમાં આવેલી બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી (બીબીએયુ)માં કેટલાક વિદ્યાર્થીઓના સમૂહે યુનિવર્સિટીના પરિસરમાં જ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ૧૭ સેકન્ડનો આ વીડિયો શુક્રવાર સાંજના સમયનો છે. ૧૬ નવેમ્બરના રોજ આરએસએસની વિદ્યાર્થી પાંખ એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ નારેબાજી કરી હતી કે રપ નવેમ્બર કો ચલો અયોધ્યા. તેમણે સૂત્રોચ્ચાર કર્યો કે મંદિર વહીં બનાએંગે.. જોકે હજુ સુધી આ મામલે વિદ્યાર્થીઓની ઓળખ જાહેર થઈ શકી નથી. પરંતુ નેશનલ હેરાલ્ડના સૂત્રો મુજબ વીડિયોમાં જે વિદ્યાર્થીઓ દેખાઇ રહ્યાં છે તેઓ એબીવીપી સાથે સંકળાયેલા છે. એક વિદ્યાર્થીએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે તેઓ આગામી રેલીઓને ધ્યાનમાં રાખીને યુવાઓને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એક અન્ય વીડિયોમાં પણ લાઇબ્રેરીમાં કેટલાક વિદ્યાર્થીઓ જય શ્રી રામ, જય શ્રી રામ, રપ નવેમ્બર કો ચલો અયોધ્યાની નારેબાજી કરતા સંભળાઇ રહ્યાં છે. એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે આ તમામ કાવતરાં ર૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી રહ્યાં છે. સંઘ પરિવાર લોકોને સંગઠિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને એવા સમયે યુનિવર્સિટીના તંત્રનું મૌન પણ અમારા માટે આશ્ચર્ય પમાડે તેવું છે.
લખનૌમાં બીબીએ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો સૂત્રોચ્ચાર : ચલો અયોધ્યા, મંદિર વહીં બનાાએંગે

Recent Comments