માંડવી,તા.૨૩
કચ્છના માંડવી તાલુકામાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સાત જેટલી દલિત છોકરીઓની છેડતા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં બસમાં હાજર એક વ્યક્તિએ છોકરીઓ સામે ગંદા ઈશારા કરી રહેલા યુવકોને ટપારતા તેણે પણ માર મારવામાં આવ્યો હતો. તમામ છોકરીઓ માંડવીના મોટા લાયજા ગામની વતની હોવાનું માલુમ પડ્યું છે. આ મામલે પોલીસે આઠ યુવકો સામે ફરિયાદ નોધી છે.
ઉચ્ચ જ્ઞાતિના અમુક યુવકો છેલ્લા ૧૫ જેટલા દિવસથી યુવતીઓને પરેશાન કરી રહ્યા હતા. માતાપિતા કોલેજ છોડાવી દેશે તેવા ડરને કારણે તેઓ આ સત્તામણી સામે ચૂપ રહી હતી. પરંતુ મંગળવારે આ યુવતીના બચાવમાં આવેલા એક યુવક સાથે મારપીટ કરવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલો ઉજાગર થયો હતો.
આ અંગે એક યુવતીએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. છોકરીના જણાવ્યા પ્રમાણે બસમાં મુસાફરી દરમિયાન યુવકો તેમની સામે ગંદા ઈશારા કરતા હતા. આરોપીઓમાંથી બે યુવકો આ યુવતીઓની સાથે જ માંડવી કોલેજમાં અભ્યાસ કરે છે, તેમજ તેમની સાથે જ બસમાં આવ જા કરે છે. તમામ આરોપીઓ મોટા લાયજા ગામ પછી આવતા પાંચોટિયા ગામના વતની છે.
છોકરીની ફરિયાદ પ્રમાણે યુવકો ફક્ત ગંદા ઈશારા જ નહીં તેમની જાતિને લઈને પણ ટિપ્પણી કરતા હતા. ફરિયાદ પ્રમાણે યુવકો છોકરીઓને ખરાબ રીતે સ્પર્શ પણ કરતા હતા.પોલીસે આ કેસમાં ભરત ગઢવી, નારન ગઢવી, સંભુ ગઢવી, હરેશ ગઢવી, રામ ગઢવી, ગોવિંદ ગઢવી અને મોહન ગઢવી સામે ફરિયાદ દાખલ કરી છે.