જામનગર, તા. ૩
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખની મોટર કારને બગોદરા-વટામણ માર્ગે અકસ્માત નડયો હતો. જો કે, પ્રમુખ અને તેના પરિવારનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો હતો.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ અમેથિયા આજે સવારે પોતાના પરિવારના સભ્યો સાથે આણંદથી જામનગર તરફ મોટર માર્ગે આવી રહ્યા હતા ત્યારે વટામણ ચોકડી બગોદરા માર્ગ પાસે એક મોટરસાયકલ ચાલક બે મોટર કાર વચ્ચે ઘૂસ્યો હતો જેમાં બન્ને મોટર કાર સામસામે અથડાતા અકસ્માત થયો હતો જેમાં એક કારમાં ગિરીશભાઈ અમેથિયા પોતાના પરિવાર સાથે હતા. જો કે, કોઈને પણ મોટી કોઈ ઈજા થઈ નથી અને આબાદ બચાવ થયો છે.
ગિરીશભાઈના દીકરી-જમાઈ આણંદમાં રહે છે. આમ તેઓ બે દિવસથી આણંદ ગયા હતા જ્યાં તેમના પુત્રનું કોલેજમાં એડમિશન કરાવવાનું પણ હતું આથી તેઓ સહ પરિવાર આણંદ ગયા હતા જ્યાંથી આજે સવારે તેઓ પોતાની જીજે-૧૦-બીજી ૬૬૨૧ નંબરની મોટર કાર લઈને જામનગર તરફ આવવા માટે રવાના થયા હતા ત્યારે માર્ગમાં તેઓને અકસ્માત નડયો હતો.