ચમોલી,તા.૨૦
ચમોલીના મલારીમાં આભ ફાટવા જેવી સ્થિતિથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. જેમાં ભૂસ્ખલન થતાં તંબુમાં રહેલા પાંચ શ્રમજીવીનાં મોત નીપજયાં છે. જ્યારે બીજી તરફ રાજસ્થાનના જોધપુરમાં પણ વરસાદે કહેર વર્તાવતાં પૂરથી સ્થિતિ વણસી ગઈ છે. જેમાં એક હોટલની દીવાલ ધરાશાયી થતાં ત્રણ અને અન્ય એક વ્યકિત એમ કુલ ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.
ઉત્તરાખંડમાં છેલ્લાં ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગત રાતે એક તંબુંમાં સુતેલા બીઆરઓના શ્રમિકો દબાઈ જતાં પાંચનાં મોત થયાં છે. જ્યારે સતત વરસાદથી ચારધામ યાત્રાધામના માર્ગો બંધ અવારનવાર બંધ કરવાની ફરજ પડી રહી છે. હવામાન વિભાગે આવતી કાલથી ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાજસ્થાનના જોધપુરમાં પણ વરસાદે કહેર વર્તાવતાં પૂરથી સ્થિતિ વણસી ગઈ છે. જેમાં ચાર કલાકમાં જ પોણા ત્રણ ઈંચ વરસાદ થતાં ચાર લોકોનાં મોત થયાં છે. શહેરમાં અત્યાર સુધી સિઝનનો ૧૩૦ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૩ વર્ષમાં પહેલીવાર આટલો બધો વરસાદ થયો છે.
૬૨ માર્ગ પર પાણી ફરી વળ્યાં
દરમિયાન ઉત્તર કાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે અને ગંગનાનીના મધ્ય નાગદેવતા નજીક ભૂસ્ખલન થતા હાઈવે બંધ કરી દેવાયો છે. હાલ સીમા સુરક્ષા સંગઠન(બીઆરઓ) ના શ્રમિકો હાઈવે ખોલવાની કામગીરી કરી રહ્યા છે.આ વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. સતત અને ભારે વરસાદથી આ વિસ્તારના લગભગ ૬૨ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
બીજી તરફ યમુનોત્રીમાં પગપાળા માર્ગ નજીક પાણી ભરાઈ જતાં હાલ તેના વિકલ્પમાં નવો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કામ લોક નિર્માણ વિભાગના ૬૫ કર્મચારીઓ કરી રહ્યા છે.
દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ
અહેવાલ અનુસાર ગઈકાલે રાતે દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ થતાં વાતાવરણ આહ્લાદક બની ગયું છે. દિલ્હીમા આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની ધારણા છે. આ ઉપરાંત પંજાબ, ઉત્તર રાજસ્થાન અને પ. યુપીમાં પણ હળવો વરસાદ થવાની આગાહી છે.