(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા. ર૦
ગુજરાતમાં ઈદ-ઉલ-અઝહાનો તહેવાર રરમી ઓગસ્ટ બુધવારના રોજ મનાવવામાં આવશે. કેટલાક મલિન ઈરાદો ધરાવતા તત્ત્વો ખોટા મેસેજ વાયરલ કરી સમાજમાં ભાગલા પડાવવા અને રાજ્યમાં પ્રવર્તતી શાંતિ ડહોળવાના પ્રયત્નો હાથ ધર્યા છે. આથી ગુજરાત ચાંદ કમિટીએ ક્રાઈમ બ્રાંચ સાયબર સેલમાં પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી હોવાનું ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફ્તિ શબ્બીરએહમદ સિદ્દીકીએ જણાવ્યું છે. મુફતી શબ્બીર એહમદ સિદ્દીકીએ વધુમાં જણાવ્યું છે કે અગાઉ પણ કેટલાક લોકોએ વિવાદ ઊભો કર્યા બાદ ફરીવાર સોશિયલ મીડિયાનો દુરૂપયોગ કરી ‘બકરીઈદ’ના તહેવારના ખોટા મેસેજ વાયરલ કર્યા છે. જેની સામે ગુજરાત ચાંદ કમિટીએ ક્રાઈમ બ્રાંચ સાયબર સેલમાં પોલીસ ફરિયાદ કરી છે. શરઈ ગવાહી પ્રાપ્ત થતા ઈદ-ઉલ-અઝહા રરમી ઓગસ્ટ બુધવારના રોજ મનાવવામાં આવશે. ગુજરાત ચાંદ કમિટીના સેક્રેટરી, માહિતી અને પ્રસારણ ફારૂક કંસારા (હમદર્દ)એ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે ગુજરાત ચાંદ કમિટી છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ પ્રકારના વાદવિવાદ વિના નિષ્પક્ષ રહી ચાંદ બાબતની જાહેરાત કરે છે અને સમગ્ર ગુજરાતના તમામ ફિરકાઓ તેને શિરોમાન્ય રાખી તહેવારો મનાવે છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી અમુક ફાસીવાદી તત્વો સમાજમાં પોતાનું અસ્તિત્વ બતાવવા ખાતર ચાંદની જાહેરાત બાબત વાદવિવાદ ઉભા કરે છે. હાલ પણ ૧૩ ઓગસ્ટથી ખોટા મેસેજ વાયરલ કરી મુસ્લિમ સમાજના બધા જ ફિરકાઓ વિરૂધ્ધ અંદરોઅંદર ઝઘડો થાય, ગુજરાતની સુલેહશાંતિ ભંગ થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન જળવાય તેવા પ્રયાસો કરી ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીરઅહેમદ સિદ્દીકી વિરૂધ્ધ એલફેલ લખી મુસ્લિમ સમાજની લાગણી દુભાવી રહ્યા છે. ઉપરાંત ચાંદ કમિટીના તમામ મેમ્બરો વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરી જાનથી મારી નાખવાના ધમકી ભર્યા ફોન કરી તેમના સન્માનને ઠેસ પહોંચાડેલ છે. આથી તેઓની વિરૂધ્ધ માનહાનીનો કેસ થવો જોઈએ. ઉપરાંત બંને મેસેજ વાયરલ કરનાર સામે તાત્કાલિક ધોરણે પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.