(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
આઇઆસીઆઇસીઆઇ બેંકના મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચરે તાત્કાલિક અસરથી પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. બેંકના બોર્ડના સભ્યો દ્વારા સમય કરતા પહેલા તેમના પદ છોડવાની માગને સ્વીકાર્યા બાદ તેમનું સ્થાન સંદીપ બક્ષીને આગામી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિયુક્ત કરાયા છે. બક્ષીનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે જે ૩ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ પૂરો થશે. આઇસીઆઇસીઆઇ બેંકના પ્રમુખ ચંદા કોચર અને તેમના પરિવાર પર લાગેલા કથિત અનિયમિતતાના આરાપોની તપાસ ઘણી એજન્સીઓ કરી રહી છે. બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે, કોચર વિરૂદ્ધ ચાલી રહેલી તપાસનો વીડિયોકોમ ગ્રુપને આપેલી ૩,૨૫૦ કરોડ રૂપિયાના કેસમાં સામેલગીરી પર કોઇ અસર નહીં પડે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. બેંકે કહ્યું કે, ૫૬ વર્ષના ચંદા કોચરે વહેલી નિવૃત્તિની વિનંતી કરી હતી.
૨. આઇસીઆઇસીઆઇ બેંકના નિવેદન મુજબ કોચરને મળનારા ફાયદાઓ તપાસ પછીનો વિષય હશે.
૩. ચંદા કોચર આઇસીઆઇસીઆઇના અન્ય બોર્ડના સભ્યોમાંથી પણ રાજીનામું આપશે.
૪. વર્ષ ૨૦૧૨માં વીડિયોકોન ગ્રુપને કથિત રીતે ૩,૨૫૦ રૂપિયાની લોન આપવામાં આવી હતી. માર્ચમાં વ્હીસલબ્લોઅરે આરોપ લગાવ્યો હતો કે, આ સોદામાં કોચરના પતિ દીપક કોચર અને તેમના પરિવારને ફાયદો થયો હતો.
૫. કોચરના પતિ દ્વારા શરૂ કરાયેલી કંપની નુપાવર રિન્યુએબલ્સમાં વીડિયોકોનના વેણુગોપાલ ધૂતે આ નાણાનું રોકાણ કર્યું હતું.
૬. આ પહેલા આઇસીઆઇસીઆઇએ સગાવાદના આરોપોનો ઇન્કાર કર્યો હતો અને ચંદા કોચરમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો.
૭. જોકે, માર્ચ મહિનામાં બેંકે કોચર વિરૂદ્ધના આરોપોની તપાસ કરવા માટે વ્યાપક તપાસ ગોઠવવાનું બોર્ડે નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.
૮. કોચરે ત્યારબાદ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રજા પર જવાનું નક્કી કર્યા બાદ બક્ષીને બેંકના સીઓઓ તરીકે નિમાયા હતા.
૯. વર્ષ ૧૯૮૪માં આઇસીઆઇસીઆઇ લિમિટેડ સાથે પોતાની કારકિર્દી શરૂ કરનારા કોચરને ૨૦૦૧માં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.
૧૦. તેઓ ૨૦૦૭થી ૨૦૦૯ સુધી જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે રહ્યા હતા અને ૨૦૦૯માં તેમને મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે નિયુક્ત કરાયા હતા.
ચંદા કોચરે ICICI બેંકના CEO અને MD પદેથી રાજીનામું આપ્યું

Recent Comments