(એજન્સી) ચંદીગઢ, તા.૧૦
શનિવારે ચંદીગઢના એક પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમનો ટ્રાફિક નિયમનો ભંગ કરતો વીડિયો બનાવનાર વ્યક્તિને મારતા તેઓ કેમેરામાં કેદ થયા હતા. આ પોલીસ એ વ્યક્તિને લાફો મારવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે.
વીડિયોમાં, પોલીસ અધિકારી જેમની ઓળખાણ સુરીન્દર સિંઘ તરીકે થઈ છે. તેઓ વ્યવસ્થિત રીતે હેલ્મેટ પહેર્યા વગર તેમજ ફોન પર વાત કરતા બાઈક ચલાવી રહ્યા હતા. આ વીડિયો શુક્રવારે ચંદીગઢના સેક્ટર ૩૬/૩૭ ખાતે શૂટ કરાયો હતો જે સોશિયલ મીડિયા પર પ્રચલિત બન્યો છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ આ વીડિયોને ટ્‌વીટર પર પોસ્ટ કરી વિસ્તારના પોલીસ વડાને સંદેશ પાઠવતા આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો.
તિવારીએ પોલીસ આઈજીને સંબોધતા લખ્યું હતું કે ડી.જી.પી. ચંદીગઢ તેજીન્દ્ર લુથારાજી, આ વીડિયો સાચો હોય તો મહેરબાની કરીને એક નાગરિક પર હુમલો કરવા બદલ આ અધિકારીને બરતરફ કરો.
ચંદીગઢ પોલીસ અધિકારી શશાંક આનંદે કહ્યું હેડ કોન્સ્ટેબલને દુર્વ્યવહાર અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ બરતરફ કરવામાં આવ્યા છે. તેમજ હેલ્મેટ ન પહેરવા અને ફોન પર વાત કરવા બદલ દંડ ફટકાર્યો હતો. તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ જપ્ત કરીને ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને ત્રણ મહિના સુધી મોકૂફ રાખવા માટે અપાયું છે.