(એજન્સી) ચંદીગઢ, તા. ૭
ચંદીગઢ છેડતી કેસમાં ભાજપથી અંદરથી અવાજ ઉઠવાનું શરૂ થયું. હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્ર વિકાસ પર છોકરીનો પીછો કરીને તેની છેડતી કરવાના આક્ષેપ બાદ ભાજપથી અંદરથી બરાલા વિરોધી સૂર ઉઠ્યો છે. કુરૂક્ષેત્રના ભાજપ સાંસદ રાજકુમાર સેનીએ કહ્યું કે કોઈનો પીછો કરવો, હાથ બતાવીને ગાડી રોકવી, અથવા અપહરણ કરવું કે છેડતી કરવી આ તમામ બાબતો ગંભીર પ્રકારની છે. તે અંગે સખત કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે પીડિતાએ આ કેસમાં હિંમત દેખાડી છે નહિતર ૯૦ ટકા આવા કિસ્સામાં છોકરીઓ બહાર આવતી નથી. તેમણે કહ્યું કે વિપક્ષો બોલે તે પહેલા સુભાષ બરાલાએ રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપ મોવડીમંડળ આ અંગે શું નિર્ણય લેશે તેની તો મને ખબર નથી પરંતુ મારો અંગત અભિપ્રાય એવો છે કે સુભાષ બરાલાએ રાહ જોયા વગર રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે પુત્રને જેવા સંસ્કાર પરિવારમાંથી મળ્યા હશે તેવા જ કામો તે કરી રહ્યો છે. બેટી બચાવો, બેટી પઢાવો પર આ એક કલંક સમાન છે. તો ભાજપ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે ટ્‌વીટ કરીને એવું કહ્યું કે તેઓ ચંદીગઢમાં આઈએએસ અધિકારીની પુત્રીની છેડતી કેસમાં જનહિતની અરજી દાખલ કરશે. તેમણે કહ્યું કે ચંદીગઢ પોલીસ જીવાદોરી નથી.
તેને સર્જરીની જરૂર છે તેથી હું જનહિતની અરજી કરી રહ્યો છું. સ્વામીએ આરોપીઓને દારૂના નશામાં ચકચૂર ગુંડા ગણાવ્યાં.મામલે હવે કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહાર કર્યો છે. સોમવારે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર એક એવા વ્યક્તિને બચાવી રહી છે જેણે છોકરીનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. સુરજેવાલાએ કહ્યું કે ચંદીગઢ વહિવટીતંત્ર અને પોલીસ કેન્દ્રને અધીન છે.
પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ પર હુમલો કરતાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા કોંગ્રેસના નેતા પર આવો આક્ષેપ થયો હતો ત્યારે તેમણે કહ્યું કે પિતાની જવાબદારી બને છે. તેથી આ અંગે મોદી અને અમિત શાહે દેશની જનતાને જવાબ આપવો જોઈએ. સૂત્રોના જણાવ્યાનુસાર વિકાસ બરાલાની મુશ્કેલીઓ વધી શકે છે. પોલીસ પર આ કેસમાં ભીનું સંકેલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.