અમદાવાદ, તા.ર૪
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક જવેલર્સના શો રૂમમાં વહેલી સવારે તસ્કરોએ શટરનું લોક અને કાચનો દરવાજો તોડી લાખો રૂપિયાની મતાના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની છે. ઘરની બહાર જ આવેલી દુકાનમાં અવાજ થતાં ઘરના સભ્યો જાગી ગયા હતા. ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ચાંદખેડાના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા વિષ્ણુનગરમાં રાજેશભાઈ પાતળિયા પોતાના પરિવાર સાથે રહે છે. ઘરની બહારના ભાગે જ રતન જવેલર્સ નામે દુકાન ધરાવી સોના-ચાંદીનો વેપાર કરે છે. સોમવારે મોડી રાતે રાજેશભાઈ તેમના પુત્રને એરપોર્ટ પર મૂકવા માટે ગયા હતા. એરપોર્ટથી તેઓ રાતે ૩.૩૦ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને તેઓ સુતા તેની ૨૦ મિનિટ બાદ ઘરમાં અવાજ થયો હતો. અવાજના લીધે ઘરના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા. તેઓએ તેમની દુકાનમાં જઈ તપાસ કરતા માલસામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. દુકાનમાં તસ્કરો શટર તોડી અંદર પ્રવેશી દુકાનમાં રહેલા સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. તસ્કરો દુકાનમાંથી આશરે પાંચ કિલો ચાંદી અને સોનાના પેન્ડલ મળી રૂ. ૪.૧૫ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો દુકાનમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા હતા. ચાંદખેડા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ નાગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.