અમદાવાદ, તા.ર૪
શહેરના ચંડોળા તળાવમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ગત તા.રપ માર્ચના રોજ લાગેલી આગમાં ૧પ૦થી વધુ ઝૂપડાંઓ સળગી ગયા હોવાની ઘટનાને બે માસ જેટલો સમય થયો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની સહાય અપાઈ ન હોવાની રજૂઆત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના સુએઝફાર્મ ડમ્પીંગ સાઈટને લીધે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અનેક બીમારીઓનો ભોગ બનતા હોવાથી ડમ્પીંગ સાઈટનો કાયમી નિકાલ લાવી સ્થાનિક લોકોને બચાવવા પણ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને વિનંતી કરવામાં આવી છે. ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્‌સ એન્ડ સોશિયલ વેલ્ફેરના નેશનલ પ્રેસિડેન્ટ મોહમ્મદ આદિલ, ડૉ.તૈયબઅલીખાન (સ્ટેટ પ્રેસિડેન્ટ, યુપી), ડૉ.નદીમ અહમદ (જનરલ સેક્રેટરી, યુપી સોશિયલ પ્રોટેકશન) અને ડૉ.મુશાહીદ (ડિસ્ટ્રીક્ટ સેક્રેટરી, અમરોહા યુપી)એ તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ડેપ્યુટી રજિસ્ટાર (લો) ડૉ.ખલીલ અહમદની નવી દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત ચંડોળાના આગ અસરગ્રસ્તો અને બહેરામપુરા વોર્ડમાં આવેલ સુએઝફાર્મ ડમ્પીંગ સાઈટની માનવ શરીર પર થતી ભયાનક અસર અંગે ધ્યાન દોર્યું હતું. ચંડોળાની આગની ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં ગરીબ લોકો ઝૂપડાં બાંધી રહે છે તેમને સરકારી તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી નથી. આ વિસ્તારના નવાબનગરના ઝૂપડાંઓમાં ગત તા.રપ-૩-ર૦૧૮ના રાત્રીએ ભીષણ આગ ફાટી નીકળતા ૧પ૦થી વધુ ઝૂપડાં ખાખ થઈ જતાં તમામ પરિવારો ઘરવિહોણા થઈ ગયા હતા. અમારી સંસ્થાએ નવાબનગરના સ્થાનિક નેતાની ફરિયાદ બાદ ર મેના રોજ સ્થળની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે, તેમણે કલેકટર અને વિસ્તારના સંસદ સભ્યને તત્કાલ મદદ પૂરી પાડવા ફરિયાદ કરી હોવા છતાં કોઈ જ પ્રકારની મદદ કરવામાં આવી નથી. આથી આ લોકોની વ્હારે આવવા પંચને વિનંતી કરી હતી. આ ઉપરાંત બહેરામપુરા ડમ્પીંગ સાઈટ અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને રજૂઆત કરતાં ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો કચરો પીરાણા ડમ્પીંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. પરિણામે આ વિસ્તારની આસપાસનો સમગ્ર વિસ્તાર પ્રદૂષિત થઈ ગયો છે. ઝેરી પ્રદૂષણને કારણે આ વિસ્તારના લોકો વિવિધ બીમારીનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો શ્વાસ, કીડની, ચામડી, વાળ, આંખ, દમ સહિત અનેક બીમારીથી પીડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં સરકારી હોસ્પિટલ ન હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અમારી સંસ્થા દ્વારા અહીં બે વાર ફ્રી મેડિકલ કેમ્પ, ચેકઅપ કેમ્પ કરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા તેમણે અપીલ કરી હતી.