(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
ચૂંટણી પંચ વડાપ્રધાનના ઇશારે કામ કરતું હોવાનો અને ચૂંટણી એક ફારસ બની રહી હોવાનો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આક્ષેપ કર્યો છે અને ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કરવા દિલ્હી પહોંચી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીના પ્રથમ દિવસ ગુરૂવારે રાજ્યમાં મતદાન વખતે ૩૦ થી ૪૦ ટકા મતદાન મશીનો યોગ્ય રીતે કામ કરતા ન હતા. આ અંગે મે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે આમ છતાં હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી. તેમણે હવે કોઇ પગલાં નહીં લેવાય તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી આપી છે. રાજ્યમાં મતદાન મશીનો યોગ્ય રીતે કામ કરતા ન હોવાથી ૧પ૦ મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવાની માગણી કરી છે. આ તકે તેમણે ચૂંટણી પંચ સરકારના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર કામ કરતી સંસ્થા છે, પણ તે હાલ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે અને અમને સહકાર આપતું નથી. તેમની સાથે વિધાનસભ્યો અને ટીડીપીના કેટલાક સિનિય આગેવાનો પણ છે. નાયડુએ જણાવ્યું કે અધિકૃત સુત્રોના મતે મતદાન વેળાએ ૪પ૮૩ ઇવીએમ ઠપ થઇ ગયા હતા અને તે ગંભીર છે. મતદાનના દિવસે જ તેમણે ચૂંટણી પંચને પત્ર લખી પુનઃ મતદાન કરાવવાની માંગ કરી હતી. અગાઉ તેમણે જણાવ્યું કે રાદ્વના મુખ્ય ચૂંટણી અધિકારી દૃવિવેદી જયારે પોતાનો મત આપવા મતદાન મથકે ગયા ત્યારે જ ત્યાં મતદાન મશીન કામ કરતું ન હતું.