(એજન્સી) તા.૧ર
રવિવારે બે નવા સભ્યો સાથે આંધ્રપ્રદેશના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. માર્ચમાં ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડી નાખતા ભાજપના બે ધારાસભ્યોએ રાજ્યના કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. આ બે નવા મંત્રીઓ તેમની ખાલી પડેલી જગ્યા સંભાળશે. કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનાર બે નવા ચહેરાઓમાં હત્યા કરાયેલા ધારાસભ્ય કિદારી સર્વેશવારા રાવના પુત્ર કિદારી શ્રવણકુમાર અને વરિષ્ઠ ધારાસભ્ય એન. મોહમ્મદ ફારૂકનો સમાવેશ થાય છે. રાજ્યપાલ ઈ.એસ.એલ. નરસિમ્હાએ બંને નવા મંત્રીઓને શપથ લેવડાવી હતી. એન.એમ. ફારૂક ભૂતકાળમાં એન.ટી.રામા રાવ અને ચંદ્રાબાબુની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. વર્ષ ર૦૧૭માં તે વિધાન પરિષદના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. ફારૂક રાજકીય રીતે મહત્ત્વના રાયલ સીમા ક્ષેત્રમાંથી આવે છે. કિદારી શ્રવણકુમાર અરાકૂના સ્વર્ગીય ધારાસભ્ય કિદારી સર્વેશવારા રાવના પુત્ર છે. તાજેતરમાં જ માઓવાદીઓએ સર્વેશવારા રાવની હત્યા કરી દીધી હતી. શ્રવણકુમાર બનારસ યુનિવર્સિટીથી આઈઆઈટી ગ્રેજ્યુએટ છે.