(એજન્સી) અમરાવતી, તા.રર
બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર પર કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ)ને કલેક્શન બ્યૂરોમાં ફેરવી નાખવાનો અને ભારતીય રિઝર્વ બેંકની સ્વતંત્રતાને છીનવી લેવાનો આરોપ મૂક્યો છે. રાજ્ય સરકારે તાજેતરમાં જ કેન્દ્રીય તપાસ બ્યૂરોને રાજ્યમાં દરોડા પાડવા તેમજ તપાસ કરવા માટે આપેલી સામાન્ય સહમતી પાછી ખેંચી લીધી હતી. મુખ્યમંત્રીએ ઉચ્ચ ન્યાયાલયમાં સીબીઆઈના ડીઆઈજી મનીષકુમાર સિંહાની અરજીનો ઉલ્લેખ કરતાં કહ્યું, સીબીઆઈના એક અધિકારીએ ખુદ એ ખુલાસો કર્યો છે કે, વડાપ્રધાનનું કાર્યાલય એજન્સીના કામકાજમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. અધિકારીએ અજીત ડોભાલ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) અને કેન્દ્રીય કાયદાકીય સચિવના હસ્તક્ષેપ મુદ્દે ઉચ્ચત્તમ ન્યાયાલયમાં એક સોગંદનામું દાખલ કરાવ્યું છે.
બુધવારે તેલુગુ દેશમ પાર્ટીની એક ટેલિ કોન્ફરન્સમાં પાર્ટીના નેતાઓનું સંબોધન કરતી વખતે નાયડુએ આ વાત કરી.
કેન્દ્રમાં ભાજપાના નેતૃત્વવાળી એનડીએ સરકાર પર નિશાન તાકતા ટીડીપી સુપ્રીમોએ તેના પર સીબીઆઈને ‘કલેક્શન બ્યૂરો’માં ફેરવી નાખવાનો અને ભારતીય રિઝર્વ બેંકની સ્વતંત્રતાને છીનવી લેવાનો આરોપ મૂક્યો છે.
તેમણે કહ્યું કે, રાફેલ એ દેશનું સૌથી મોટું સંરક્ષણ કૌભાંડ છે. ભાજપા દેશની સુરક્ષાને જોખમમાં મૂકી રહી છે. મોદી સરકારે પોતાના પ૪ મહિનાના શાસનકાળમાં કોઈ મોટો કાર્યક્રમ શરૂ કર્યો નથી. મેં આંધ્રપ્રદેશને દરેક રીતે નંબર વન બનાવ્યું છે. મારી ક્ષમતાઓ રાજ્ય માટે ઉપયોગી હોવી જોઈએ, કારણ કે હું તેને દુનિયામાં નંબર વન બનાવવા ઈચ્છું છું.