અમરાવતી,તા.૯
પોતાના રાજકીય વિરોધીઓ વિરુદ્ધ નિવેદન કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂ પોતાનું ભાન ભૂલ્યા. ચંદ્રબાબૂ નાયડૂએ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી અને ટીઆરએસના અધ્યક્ષ તેમજ તેલાંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને ‘મોદીના મળતીયા’ ઉપરાંત અન્ય અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો. મછલીપટનમમાં એક રેલીને સંબોધતા નાયડુએ કહ્યું કે, ‘બેશરમ જગનમોહન રેડ્ડી શ્વાન માટેના બિસ્કિટ ખાઈ રહ્યા છે. તેઓ આ બિસ્કિટ અમને પણ વહેંચી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, જગનમોહન અને કેસીઆર મોદીના નોકરસમાન છે, જેઓ એક બિસ્કિટ માટે પણ પોતાના ઘૂંટણીએ બેસી રહેશે.
ચંદ્રબાબુ નાયડુએ ભાજપ અને ટીઆરએસ પર વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને ફંડ આપવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યા બાદ તેમને વોટ ન મળ્યા. નાયડુએ જગમોહન રેડ્ડીને ફંડિંગની વાત કરતા કહ્યું કે, ‘મોદી અને કેસીઆરે ૧૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેસીઆર તમે પૈસા કેમ ખર્ચ્યા? તમે તમારા રાજ્યના પૈસા અમારા રાજ્યમાં કેમ ખર્ચી રહ્યા છો? એક હજાર કરોડ રૂપિયા ખર્ચવા છતા પણ અહીંથી તમને એક પણ વોટ નથી મળવાનો. અમારી જનતા તમારાથી ખૂબ જ નારાજ છે.
ચંદ્રબાબુ નાયડુએ એવા સમયમાં આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જ્યારે રાજ્યમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે રાજકીય પાર્ટીઓ વચ્ચે ઘમાસાણ ચાલી રહ્યું છે.