(એજન્સી) તા.ર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે કહ્યું હતું કે, તેમને દેશના પ્રધાનમંત્રી બનવામાં રસ નથી તે ફક્ત એક સૈનિકની જેમ દેશની સેવા કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, કયા સમયે શું કરવું અને કેવી રીતે કરવું એ હું જાણું છું. હું સુશાસન ઈચ્છું છું. બધા નેતાઓએ તેમના રાજ્યને મજબૂત કરવો જોઈએ. પછી તે મમતા બેનરજી હોય, ચંદ્રશેખર રાવ હોય અથવા અન્ય કોઈપણ નેતા હોય. હું એક સૈનિકની જેમ કામ કરીશ. મેં ગઠબંધન સરકારોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ મને વડાપ્રધાન બનવામાં રસ નથી. વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો કે, કર્ણાટક ચૂંટણી જીતવા માટે તેમણે સપ્રમાણિકતાનો આશ્રય લીધો હતો. નાયડુએ કહ્યું કે, વડાપ્રધાન ઈમાનદારીની વાત કરે છે પરંતુ કર્ણાટકમાં તેમણે બધા જ ગેરકાયદેસર કૃત્યો કર્યા હતા અને ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. પેટાચૂંટણીઓમાં શાસક પક્ષની હાર લોકલાગણીનું પ્રતિબિંબ છે.