અમદાવાદ, તા.૨૬
આગામી ૨૭મી જુલાઇને શુક્રવારે રાત્રે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ગુરૃપૂર્ણિમાને ગ્રહણ નડશે. ૨૧મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ ૨૭ જુલાઇ થી ૨૮ જુલાઇ સુધી બે દિવસ દેખાશે. ૨૬ જુલાઇ ૧૯૫૩ના વર્ષ પછી પ્રથમવાર ૬૫ વર્ષ બાદ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે અને ચંદ્ર સંપૂર્ણ ઢંકાઇ જશે, તે બ્લડમૂન કહેવાશે. આ સદીના સૌૈથી લાંબા ચંદ્રગ્રહણ અંગે વધુ માહિતી આપતા અભ્યાસએ વધુમાં જણાવ્યું છે કે, ગ્રહણ એ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. આગામી ચંદ્રગ્રહણ અષાઢ સુદ પૂનમને શુક્રવારે રાત્રે ૧૧ઃ૫૪ કલાકથી શરૂ થશે અને ૨૮મી જુલાઇ શનિવારે વહેલી સવારે ૩ કલાક ૫૦ મીનીટે પૂર્ણ થશે. આમ ૪ કલાક સુધી ચાલનારા ગ્રહણમાં શનિવારે રાત્રિના ૧ કલાક પર મિનિટથી ૨ કલાક ૪૩ મિનિટ દરમિયાન ચંદ્ર પૂર્ણ ઢંકાઇ જશે અને રક્તવર્ણનો બની જશે. જેને ખગોળીય ભાષામાં બ્લડમૂન કહે છે. આ વર્ષે ગત ૩૧મી જાન્યુઆરીએ થયેલ ચંદ્રગ્રહણમાં ચંદ્ર લાલ ત્રાંબા વર્ણનો થયો હતો. આ ચંદ્રગ્રહણમાં સૂર્યના કિરણો પૃથ્વી પર પછડાઇને ચંદ્ર પર આવશે જેથી આ ગ્રહણમાં ચંદ્ર લાલ રક્તવર્ણનો કે ત્રાંબા વર્ણીય જોવા મળશે. વાદળા નહિં હોય તો બ્લડમૂન નરી આંખે જોઇ શકાશે.