અમદાવાદ, તા.૧૧
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે ઉ.ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યાંથી તેઓ અક્ષરધામની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ ઉત્તર ગુજરાતની મુલાકાત દરમિયાન સાત મંદિરની સત્તાવાર મુલાકાત કરવાના જ હતા. તેવામાં આજે તેમણે નવસર્જન યાત્રા પહેલા અક્ષરધામની મુલાકાત લીધી હતી.
રાહુલ ગાંધીએ અક્ષરધામ મંદિરમાં રહેલા આનંદ સ્વરૂપ સ્વામી સાથે મંદિરની મુલાકાત લીધી અને માહિતી મેળવી હતી. કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના નવસર્જન યાત્રા દરમ્યાન વિવિધ રીતે લોકસંપર્ક કરતા રહ્યા છે. ચોથા તબક્કાની નવસર્જન યાત્રાના પહેલા દિવસે પ્રાંતિજ રોડ પર આવેલા ચંદ્રાલા ગામે રાહુલ ગાંધીએ કોન્વોય રોકીને લોકોની વચ્ચે બેસીને ચા-નાસ્તો કર્યો હતો. તેમણે ગરમ-ગરમ ચા અને ગોટાની લિજ્જત માણી હતી. તો સાથે જ તેમણે ફાફડા પણ ખાધા હતા.