(એજન્સી) નવી દિલ્હી
આશરે ૩૦ દિવસના લાંબા પ્રવાસ બાદ ભારતનું ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં સફળ રીતે પહોંચી ગયું છે. ઈસરોએ આજે ચંદ્રયાન-૨ને ચંદ્રની પહેલી કક્ષામાં પહોંચાડીને વધુ સફળતા મેળવી છે. ઈસરો વૈજ્ઞાનિકોએ સવારે ૮.૩૦થી ૯.૩૦ દરમિયાન ચંદ્રયાન-૨ને ચંદ્રની કક્ષા LBN#૧માં પ્રવેશ કરાવ્યો હતો. હવે ચંદ્રયાન-૨ ૧૧૮ કિમીની એપોજી (ચંદ્રથી ઓછા અંતરે) અને ૧૮૦૭૮ કિમીની પેરીજી (ચંદ્રથી વધારે અંતર) કક્ષામાં આગામી ૨૪ કલાક સુધી ચક્કર લગાવશે. આ દરમિયાન ચંદ્રયાનની ગતિને ૧૦.૯૮ કિમી પ્રતિ સેકન્ડથી ઘટાડીને અંદાજે ૧.૯૮ કિમી પ્રતિ સેકન્ડ કરવામાં આવી હતી. આમ, ચંદ્રયાન-૨ની સ્પીડ ૯૦ ટકા ઘટાડીને તેને ચંદ્રની કક્ષામાં પહોંચાડવામાં સફળતા મળી છે. આજથી ૧૮મા દિવસે એટલે કે ૭મી સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧.૫૫ વાગ્યે ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર ઉતરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા શ્રીહરિકોટામાં હાજર રહેશે.
ઈસરો પ્રમુખ સિવને જણાવ્યું કે, ૭ સપ્ટેમ્બરે રાત્રે ૧.૫૫ વાગે ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર લેન્ડ થશે. બીજો પડાવ ૨જી સપ્ટેમ્બરે છે જ્યારે લેન્ડર ઓર્બિટરથી અલગ થશે. ૩ સપ્ટેમ્બરે ચંદ્રયાન ૩ સેકન્ડ માટે સ્થાન બદલશે. તેનાથી નક્કી થઈ જશે કે લેન્ડર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. ચંદ્રયાન-૨ની ગતિમાં ઘટાડો એટલા માટે કરવામાં આવ્યો કારણકે તે ચંદ્રના ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્ર સાથે અથડાઈ ન જાય. ૨૦ ઓગસ્ટ એટલે કે મંગળવારે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-૨નો પ્રવેશ કરાવવો ઈસરો માટે ખૂબ પડકાર સમાન હતો. પરંતુ વૈજ્ઞાનિકોની કુશળતાના કારણે તે શક્ય બની શક્યું છે. ૭ સપ્ટેમ્બરે ચંદ્રયાન-૨ ચંદ્રયાન દક્ષિણી ઘ્રુવ પર લેન્ડ કરશે. ચંદ્રયાન-૨ને ૨૨ જુલાઈએ શ્રીહરીકોટા કેન્દ્રથી રોકેટ બાહુબલી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ૧૪ ઓગસ્ટે ચંદ્રયાન-૨ને ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં નાખવામાં આવ્યો હતો.
ચંદ્રની ચારેય બાજુ ચાર કક્ષા બદલ્યા પછી ચંદ્રયાન-૨થી વિક્રમ લેન્ડ બહાર નીકળી જશે. વિક્રમ લેન્ડર સાથે પ્રજ્ઞાન રોવર પણ ઓર્બિટરથી અલગ થઈને ચંદ્ર તરફ આગળ વધવા લાગશે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવન ચંદ્રની ચારેય બાજુ બે ચક્કર લગાવશે અને ૭ સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષીણ ધ્રૂવ પર ઉતરશે. ઈસરોના ચેરમેન ડૉ. કે. સિવનના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-૨ ચંદ્રની કક્ષામાં જતી વખતે એક મોટા પડકારમાંથી પસાર થશે. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ ૬૫,૦૦૦ કિમી સુધી રહે છે. આ સંજોગોમાં ચંદ્રયાન-૨ની ગતિ ઓછી કરવી પડશે. નહીં તો તે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિના પ્રભાવમાં આવીને તેની સાથે અથડાઈ જાય તેવી પણ શક્યતા છે. ગતિ ઓછી કરવા માટે ચંદ્રયાન-૨ને ઓનબોર્ડ પ્રોપ્લશન સિસ્ટમને થોડી વાર માટે ચાલુ કરવામાં આવશે. આ દરમિયાન એક નાનકડી ભૂલ પણ યાનને અનિયંત્રિત કરી શકે છે. આ માત્ર ચંદ્રયાન-૨ માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ એક મોટો પડકાર છે.