(એજન્સી) હૈદરાબાદ, તા. ૭
ટીઆરએસના પ્રમુખ કે.ચંદ્રશેખર રાવે શુક્રવારે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેલંગાણામાં તેમનો પક્ષ જંગી બહુમતીથી સત્તામાં પરત આવશે. રાવ તરીકે લોકપ્રિય અને જાણીતા કેસીઆરે તેમના વતન ચિંતમડકા ગામમાં વિધાનસભાની ચૂંટણીઓેમાં મતદાન કર્યા બાદ પત્રકારોને જણાવ્યું કે તેમના પક્ષ પ્રત્યે લોકોનો મૂડ બહુ, બહુ જ સકારાત્મક છે. તેલંગાણામાં ટીઆરએસ એકલા હાથે ચૂંટણી લડી રહી છે. ટીઆરએસ મુખ્ય પડકાર કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઇ અને તેલંગાણા જન સમિતિ (ટીજેએસ)ના બનેલા ગઠબંધન ‘પીપલ્સ ફ્રન્ટ’થી છે. નોંધનીય છે કે ભાજપ પણ તેલંગાણાની ચૂંટણી એકલાહાથે લડી રહ્યો છે. મતગણતરી ૧૧મી ડિસેમ્બર હાથ ધરવામાં આવશે અને ચૂંટણીના પરિણામો પણ એ જ દિવસે જાહેર થઇ જવાના છે. નોંધનીય છે કે ટીઆરએસ સરકારની ભલામણને પગલે છઠ્ઠી સપ્ટેમ્બરે તેલંગાણા વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.