(એજન્સી) બેગૂસરાય, તા.ર૯
બિહારના પૂર્વ સમાજ કલ્યાણમંત્રી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માએ સોમવારે બેગૂસરાયના મંઝૌલ વ્યવહાર ન્યાયાલયમાં આત્સમર્પણ કરી દીધું છે. વર્માની ધરપકડ માટે પોલીસ પાછલાં ઘણાં દિવસોથી જુદા-જુદા સ્થળો પર દરોડા પાડી રહી હતી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, વર્મા સવારે અનુમંડલ વ્યવહાર ન્યાયાલય પહોંચ્યા, જ્યાં તેમણે ઉપરી મુખ્ય ન્યાયિક દંડાધિકારીની અદાલતમાં આત્મસમર્પણ કરી દીધું. વર્માના વકીલ સત્યનારાયણ મહેતાએ જણાવ્યું કે, આત્મસમર્પણ બાદ અદાલતે વર્માને ૧૪ દિવસોની ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે, આ પહેલાં વર્માએ પટના ઉચ્ચ ન્યાયાલયમાં આગોતરા જામીન અંગેની અરજી દાખલ કરી હતી, જેને અદાલતે ફગાવી દીધી હતી. આત્મસમર્પણ કર્યા બાદ તેમણે ખુદને નિર્દોષ હોવાનું જણાવીને કહ્યું કે, તેમને ફસાવવામાં આવી રહ્યા છે. જો કે, તેમણે તેમ પણ કહ્યું હતું કે, અમારા ઘરમાંથી જે ગોળી મળી છે, તેમાં મારી પત્નીનો કોઈ જ દોષ નથી. ઉલ્લેખનીય છે કે, મુઝફ્ફરપુર બાલિકા આશ્રયગૃહ જાતીય શોષણ કેસની તપાસ દરમિયાન સીબીઆઈએ ચંદ્રશેખર વર્માના પતિના ગામ શ્રીપુરમાં ૧૭ ઓગસ્ટના રોજ દરોડા પાડતા તેમના ઘરેથી પ૦ જેટલી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી ગોળીઓ મળી આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ ચેરિયાબરિયાપુર પોલીસ સ્ટેશનમાં પૂર્વ મંત્રી અને તેમના પતિની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.