(એજન્સી) શ્રીહરિકોટા, તા. ૨૨
ભારતીય ઇસરોએ આજે બપોરે ૨.૪૩ વાગે ચાંદ માટે બીજા મૂન મિશન ચંદ્રયાન-૨નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યુ છે. ઇસરોએ ૪૪ મીટર લાંબા અને લગભગ ૬૪૦ ટન વજની જિયોસિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ-માર્ક તૃતીય(જીએસએલવી-એમકે તૃતીય-એમ ૧)થી આને લોન્ચ કર્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં ઈસરોએ કહ્યું કે રોકેટની ગતિ અને હાલાત સામાન્ય છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે ૩,૮૪,૦૦૦ કિમીનું અંતર છે. આ અંતરને કાપવામાં યાનને કુલ ૪૮ દિવસ લાગશે. તે દિવસે તે ચંદ્રના સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરશે. ચંદ્રયાન-૨ પોતાની મુસાફરી દરમિયાન બે ભાગમાં વિભાજીત થશે. ચંદ્રયાન-૨નો એક હિસ્સો કક્ષામાં અને બીજો હિસ્સો ચંદ્ર પર ઉતરણ કરશે. આ રોકેટનું નામ બાહુબલી ફિલ્મના સુપર હીરોના નામ ‘બાહુબલી’ પરથી રાખવામાં આવ્યું છે. રોકેટ ૩.૮ ટન વજની ચંદ્રયાન-૨ અંતરિક્ષ યાનને ઉઠાવી અંતરિક્ષમાં લઈ ગયું. ૩૭૫ કરોડ રૂપિયાના GSLV-MK3 રોકેટે ૬૦૩ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યું છે. ઇસરો અત્યાર સુધી ત્રણ GSLV-MK૩ અંતરિક્ષમાં લોન્ચ કરી ચૂક્યું છે. GSLV-MK૩નો ઉપયોગ ૨૦૨૨માં ભારતના માનવ અંતરિક્ષ મિશનમાં પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારતનું આ બીજું ચંદ્ર મિશન છે. ચંદ્રયાન-૨ મિશન હેઠળ શોધ યાન ચાંદના એવા ભાગ પર ઉતરશે જ્યાં અત્યાર સુધી કોઈ પણ શોધ થઈ નથી. વૈજ્ઞાનિકો મુજબ આનાથી ચાંદનું સર્જન કેવી રીતે થયું તે વિશ માહિતી મળી શકશે. ઉપરાંત ચાંદની સપાટીનું મેપિંગ પણ કરવામાં આવશે અને તત્વોના વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ ડૉ, કે સિવને ચંદ્રયાન-૨ના સફળ લોન્ચિંગ પર સંબંધીત તમામ ટીમોને હાર્દિક સુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક હતો. લોન્ચિંગની સફળતાથી ગદગદ ઈસરોના ચીફનું ગળું ભરાઈ આવ્યું હતું. રૂંધાયેલા શ્વાસે સિવને ઈસરોની તમામ ટીમોના ભારોભાર વખાણ કરતા કહ્યું હતું કે, તમે જે રીતે પોતાના ઘરબાર છોડીને, પોતાના હિત-અહિતને બાજુ પર મુકીને રાત-દિવસ એક કર્યા, તે બદલ હું તમને સૌને હ્યદયથી સલામ કરૂ છું. તેમણે કહ્યું હતું કે, તમે છેલ્લા ૭ દિવસથી પોતાના પરિવારોને ભૂલીને, પોતાના હિતોનો ત્યાગ કરીને કામમાં લાગેલા હતાં અને સ્નૈગને એકદમ ઠીક કરી નાખ્યું.
ઈસરોના પ્રમુખે એક મોટી અને મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, ચંદ્રયાન-૨ લોન્ચ કરનારા જીએસએલવી માર્ક-૩ની પ્રદર્શન ક્ષમતા અગાઉની સરખામણીએ ૧૫ ટકા વધી ગઈ છે. આ બદલ પણ તેમણે ટીમનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો. ઈસરોના ચીફે કહ્યું હતું કે, આજનો દિવસ ના માત્ર ઈસરો, ના માત્ર ભારત પર વિજ્ઞાન અને ટેક્નોલોજીના હિસાબથી ખુબ જ ગૌરવપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ટેક્નોલોજી ક્ષેત્રે ભારતનો ઝંડો આગળ પણ બુલંદ રાખવાનો છે અને તેને વધારે નવી ઉંચાઈએ લઈ જવાનો છે. આ પહેલા ઈસરોએ શનિવારે ચંદ્રયાન-૨નું લોન્ચ રિહર્સલ પુર કર્યુ હતું. ઈસરોએ ગુરુવારે ટ્‌વીટ કર્યું હતું કે, ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ૧૫મી જુલાઈએ રાતે ૨.૫૧ વાગે થવાનું હતું, જે ટેકનીકલ ખામીના કારણે ટળ્યું હતું. ઈસરોએ એક સપ્તાહની અંદર તમામ ટેકનીકલ ખામીઓને ઠીક કરી દીધી હતી.

ચંદ્રયાન-૨ આગામી એક વર્ષ સુધી ચંદ્ર પર શું કરશે ?

ચંદ્રની સપાટી પર ઉતરનાર વિક્રમ સેટેલાઇટ ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પહોંચે તેવી સંભાવના છે. તેને ચંદ્રની કક્ષામાં પહોંચતા દિવસ લાગશે. વિક્રમ ચંદ્રની સપાટીથી ૧૦૦ કિલોમીટર દૂર હળવેથી લેન્ડ કરશે. આજ રીતે ચ વ્હીલનું રોવર પ્રજ્ઞાન એક લ્યૂનાર દિવસ એટલે કે પૃથ્વીના ૧૪ દિવસમા તેના બે સંશોધન કરશે. ચંદ્રની સપાટી પર ૧૦૦ સ્કવેર કિલોમીટર સુધી પ્રજ્ઞાન એક વર્ષમાં કુલ આઠ મહત્વના પરિક્ષણ કરશે. આ મિશનમાં અમેરિકાની નાસા સ્પેસ એજન્સી દ્વારા કરાયેલા પરિક્ષણોને પણ ચકાસશે. ઇસરોના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મિશનમાં ચંદ્ર પરની અનેક વણઉકેલી બાબતોને પણ ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે. સમગ્ર સ્પેસને ભારતીય તિરંગાનો રંગ અપાયો છે અને તેના વ્હીલને અશોક ચક્રનું રૂપ અપાયું છે. આ મિશન સફળ થતા જ ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્ર પર સૌથી મોટી સફળતા મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.
ઈસરોએ ચંદ્રયાન-૨ના લોન્ચિંગ પહેલાં જ પોતાના આગળના અભિયાન ગગનયાનની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ અભિયાન હેઠળ ભારત માણસને ચંદ્રની સપાટી પર ઉતારશે. તેના માટે ઈસરોએ અંતરિક્ષ મિશન ગગનયાનને ૧૦ ક્રૂ મેમ્બર્સના ચૂંટવા અને પ્રશિક્ષણ માટે ભારતીય વાયુસેનાને જવાબદારી સોંપી છે. ઈસરો તરફથી ગગનયાનના ક્રૂની પસંદગી અને ટ્રેનિંગ સાથે જોડાયેલાં ધોરણોને નકકી કરી દેવામાં આવ્યા છે. આ જ નિયમોને આધારે ગગનયાનમાં જવાવાળાને ટ્રેઈન કરવામાં આવશે. આ બધા જ નિયમો ઈન્ડિયન એરફોર્સને સોંપી દેવામાં આવ્યા છે. ટ્રેનિંગનાં પહેલાં ૨ તબક્કામાં ઈન્ડિયન એરફોર્સના ઈન્સ્ટિટ્યુટ ઓફ એરોસ્પેસ મેડિસિનમાં થશે અને ત્યારબાદ છેલ્લાં તબક્કાની ટ્રેનિંગ વિદેશમાં થશે. ગગનયાન માટે કુલ ૧૦ કેન્ડિડેટને ટ્રેઈનિંગ આપવામાં આવશે. જેમાંથી ત્રણની પસંદગી કરાશે જેઓ ગગનયાનમાં સવાર થઈને ચંદ્રની સપાટી પર પહોંચશે. આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ સાથે જોડાયેલા ઈન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ મેડિસિન ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાની એક માત્ર એવી સંસ્થા છે જે એરોસ્પેસ મેડિસિનના ક્ષેત્રમાં રિસર્ચ કરે છે. તેણે ૧૯૮૦ના દાયકામાં ભારત-સોવિયેત રશિયાના અંતરિક્ષ કાર્યક્રમોને મેડિકલ સપોર્ટ આપ્યો હતો.

ચંદ્રયાન-૨નું લોન્ચિંગ પોતાની ઓફિસમાંથી
જોઇ રહેલા પીએમે ઇસરોને અભિનંદન આપ્યા

ચંદ્રયાન-૨ના સફળ લોન્ચિંગથી ઇસરો સાથે સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇસરો અને તમામ ભારતીયોને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-૨ના ફાયદા પણ ગણાવ્યા હતા. તેમણે ટિ્‌વટની સાથે જ કેટલાક ફોટા પણ શેર કર્યા હતા. જેમાં મોદી ઉભા-ઉભા યાનનું લોન્ચિંગ નિહાળી રહ્યા છે. તસવીરોથી સ્પષ્ટ થાય છે કે, તેમની નજર ઇસરોના અભિયાન પર અન્ય ભારતીયોની જેમ જ ટકેલી હતી. ઇસરોની આ સિદ્ધિનો ઉલ્લેખ લોકસભા અને રાજ્યસભામાં પણ થયો હતો. પીએમ મોદીએ પોતાના પ્રથમ ટિ્‌વટમાં લખ્યું, ‘પોતાના ગૌરવવંતા ઇતિહાસમાં ભારતે કેટલીક શાનદાર પળો જોડી દીધી છે. ચંદ્રયાન-૨ની લોન્ચિંગ આપણા વૈજ્ઞાનિકોની શક્તિ અને ૧૩૦ કરોડ ભારતીયોના દૃઢ નિશ્ચયને દેખાડે છે.’ બીજી ટિ્‌વટમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨ સંપૂર્ણ રીતે સ્વદેશી છે, ચંદ્રયાન-૨ની જે વાત ભારતીયોને વધુ ઉત્સાહિત કરે છે તે એ છે કે તે સંપૂર્ણ સ્વદેશી છે. તેની અંદર એક ઓર્બિટર, એક રોવર અને એક લેન્ડર છે જે ચંદ્રની સમીક્ષા કરશે. ભારતના મિશન મૂનની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, ચંદ્રયાન-૨ મિશન અન્યોથી એ માટે પણ અલગ છે કારણ કે, તે ચંદ્રના સાઉથ પોલવાળા ભાગમાં જઇ રહ્યું છે. પહેલા થયેલા મૂન મિશનમાં આ વિસ્તારમાં જવાયું નથી. પીએમ મોદીનું માનવું છે કે, ચંદ્રયાન-૨ આવનારા દિવસોમાં યુવાઓના મનમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા કરશે. આનાથી સારા સંશોધન થશે અને પ્રયોગોમાં નવીનતા આવશે. તેમણે લખ્યું હતું કે, ચંદ્રયાનને કારણે જ આપણને ચંદ્ર વિશે વધુ જાણકારીઓ મળશે. પોતાના ૩.૨૧ મિનિટના વીડિયો સંદેશમાં પીએમ મોદીએ ઇસરો અને તેના વૈજ્ઞાનિકો તથા સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ દેશ અને દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે, આપણા વૈજ્ઞાનિકોની પ્રતિભાનું શાનદાર ઉદાહરણ છે.