અમદાવાદ, તા.૮
શહેરના મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં ભણતા બાવળા તરફના વિદ્યાર્થીઓને લઈને આવી રહેલી સ્કૂલ બસનો ચાંગોદર નજીક ટ્રક સાથે ગંભીર અકસ્માત સર્જાતા ર૩ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. જેમાં ડ્રાઈવર ક્લિનર અને બે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને નાજુક હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ચાંગોદર બાવળા હાઈવે નજીક નવાપુરા પાટિયા પાસે સ્કૂલ બસને અકસ્માત નડતાં વિદ્યાર્થીઓમાં ભારે રોકકળ અને ચીસાચીસ મચી ગઇ હતી. બીજીબાજુ, વિદ્યાર્થીઓના વાલીઓનો જીવ ઉઁચો થઇ ગયો હતો અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્ત મોટાભાગના વિદ્યાર્થીઓને એસજી હાઇવે પરની સોલા સિવિલ હોસ્પિટલમાં અને કેટલાક વિદ્યાર્થીઓને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજીબાજુ, ચાંગોદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. દરમ્યાન સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ બાળકો-વિદ્યાર્થીના કરૂણ દ્રશ્યો જોઇ રોષે ભરાયેલા સ્થાનિક લોકો-ગ્રામજનોએ નજીકના વિસ્તારમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર તવાઈ બોલાવી હતી. હાઇવે પરની એક દુકાન અને લારીને નિશાન બનાવ્યા હતા અને આગ ચાંપી હોબાળો મચાવ્યો હતો. લોકોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ હાઇવે પણ ટ્રાફિક ચક્કાજામ પણ કરી દીધો હતો. છેવટે પોલીસે ઘટનાસ્થળે આવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડયા હતા. આ બનાવની વિગત એવી છે કે, શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ હાઇસ્કૂલની બસ આજે સવારે બાવળા ખાતે વિદ્યાર્થીઓને લઇને અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે ચાંગોદર નજીક નવાપુરા ગામના પાટિયા પાસે એક ટ્રકચાલક બેફામ ઝડપે આવ્યો હતો અને સ્કૂલબસને સામેના ભાગે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કૂલબસનો ભુક્કો બોલી ગયો હતો. આ જોરદાર અકસ્માતને પગલે નિર્દોષ વિદ્યાર્થીઓ હેબતાઇ ગયા કે ચીસાચીસ અને રોકકળ મચી ગઇ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓને સાવચેતીપૂર્વક ભુક્કો થયેલી સ્કૂલબસમાંથી બહાર કાઢયા હતા. જોરદાર એવા અકસ્માતમાં ર૩ બાળકો ઘાયલ થયા હતા. જેને પગલે તમામ ઇજાગ્રસ્ત અને પીડામાં કણસતા બાળકોને તાત્કાલિક સોલા સિવિલ અને કેટલાકને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજીબાજુ, અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને ગ્રામજનો રોષે ભરાયા હતા અને હાઇવે પરની બાજુની દુકાન અને લારીને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી અને હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જેને લઇ વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે, પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. જો કે ગ્રામજનોની સ્પીડબ્રેકર મૂકવાની ઘણા સમયથી માંગ હતી તેમ છતાં તંત્રના બહેરા કાને આ માંગ સંભળાઈ ન હોવાથી રોષ ભભૂક્યો છે.
રસ્તા ઉપર જ કણસતા વિદ્યાર્થીને સૂવડાવાયા

ટ્રકની ટક્કરથી ભુક્કો બોલી ગયેલી દિવ્યપથ હાઇસ્કૂલની સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓને માંડ માંડ સાવચેતીપૂર્વક બહાર કાઢી તેઓને હાઇવેના રસ્તા પર જ સૂવડાવી દેવામાં આવ્યા હતા. જયાં રસ્તા પર જ વિદ્યાર્થીઓ ચીસાચીસ અને રોકકળ સાથે પીડામાં કણસતા રહ્યા હતા. જયાં સુધી ૧૦૮ આવી ત્યાં સુધી રસ્તા પર પીડામાં કણસતા વિદ્યાર્થીઓના કરૂણ દ્રશ્યો જોઇ સ્થાનિકો અને રસ્તા પરથી વાહનચાલકો પૈકીના કેટલાકની આંખો ભીની થઇ ગઇ હતી. લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બાદમાં તમામ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.