અમદાવાદ, તા.૧૫
શહેરના મેમનગર વિસ્તારની દિવ્યપથ હાઇસ્કૂલની સ્કૂલ બસને બાવળાથી પરત ફરતી વખતે ચાંગોદર નજીક નવાપુરા ગામના પાટિયા પાસે નડેલા અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ પૈકી આજે વધુ એક વિદ્યાર્થી તીર્થ પટેલનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું. જેના કારણે પરિવારજનોમાં અને સ્કૂલના વિદ્યાર્થીઓ-વાલીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બે દિવસ પહેલાં જ માનવ પ્રજાપતિ નામના એક વિદ્યાર્થીનું મોત નીપજયું હતું. આમ, દિવ્યપથ હાઇસ્કૂલની સ્કૂલ બસના અકસ્માત બાદ અત્યારસુધીમાં બે વિદ્યાર્થીઓના મોત નીપજયા છે. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ હાઇસ્કૂલની બસ ગત શુક્રવારે સવારે બાવળા ખાતે વિદ્યાર્થીઓને લઇને અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે ચાંગોદર નજીક નવાપુરા ગામના પાટિયા પાસે એક ટ્રકચાલક બેફામ ઝડપે આવ્યો હતો અને સ્કૂલબસને સામેના ભાગે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે, સ્કૂલબસનો ભુક્કો બોલી ગયો હતો. આ જોરદાર અકસ્માતને પગલે નિર્દોષ વિદ્યાર્થીઓ અચાનક જ હેબતાઇ ગયા કે શું થયું. બેઘડીમાં તો વિદ્યાર્થીઓમાં ચીસાચીસ અને રોકકળ મચી ગઇ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓને સાવચેતીપૂર્વક ભુક્કો થયેલી સ્કૂલબસમાંથી બહાર કાઢયા હતા. જોરદાર એવા અકસ્માતમાં ૨૧થી વધુ બાળકો ઘાયલ થયા હતા. જેને પગલે તમામ ઇજાગ્રસ્ત અને પીડામાં કણસતા બાળકોને તાત્કાલિક સોલા સિવિલ અને કેટલાકને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજીબાજુ, અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને ગ્રામજનો રોષે ભરાયા હતા અને હાઇવે પરની બાજુની દુકાન અને લારીને નિશાન બનાવી આગ ચાંપી દીધી હતી અને હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કર્યો હતો. જેને લઇ વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે, પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. દરમ્યાન છેલ્લા ત્રણ દિવસમાં જ શાળાના ઇજાગ્રસ્ત બાળકો પૈકીના બે વિદ્યાર્થીના સારવાર દરમ્યાન મોત નીપજતાં સૌકોઇમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.