(એજન્સી) ચેન્નઈ, તા.૧૯
નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામેના વિરોધમાં ચેન્નઇના ચેપોક ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમો રોડ પર ઉતર્યા હતા. સમગ્ર તમિળનાડુમાં સીએએની વિરૂદ્ધમાં બુધવારે પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. પોલીસે મંજૂરી નહીં આપી હોવા છતાં દેખાવકારોએ કૂચ કરી હતી.પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ સચિવાલય અને કલેક્ટર કચેરી તરફ કૂચ કરી હતી. મદ્રાસ હાઇકોર્ટે દેખાવકારોને તમિળનાડુ વિધાનસભા તરફ કૂચ નહીં કરવાનું કહ્યું હતું. જ્યારે દેખાવકારોએ કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે અને વિધાનસભા તરફ જશે નહીં. દરમિયાન, હજારો પોલીસ કર્મચારીઓ ચેન્નઇના ચેપોકમાં પ્રદર્શનકારીઓ પર નજર રાખી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર ભડકાઉ મેસેજ પોસ્ટ નહીં કરવાની લોકોને અપીલ કરી હતી. મુસ્લિમ સંગઠનો અને રાજકીય પક્ષોના તમિળનાડુના ફેડરેશન તમિળનાડુ ઇસ્લામિયા ઇયક્કંગલ માત્રમ અરાસિયલ કચ્ચીગાલિન કૂટ્ટામૈયપ્પુ દ્વારા સીએએ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓ દ્વારા સીએએ, એનપીઆર અને એનઆરસી સામેના પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રીય ધ્વજ પણ ફરકાવ્યો હતો. હજારો પ્રદર્શનકારીઓએ તમિળનાડુ વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં સીએએ અને એનઆરસી સામે ઠરાવ પાસ કરવાની તમિળનાડુ સરકાર પાસે માગણી કરી છે અને આ માગણી માટે યોજવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં હજારો લોકોએ ભાગ લીધો છે. પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા કેટલાક મુસ્લિમ સંગઠનોએ જણાવ્યું કે આ મામલામાં તેમને પ્રતિવાદી બનાવવામાં નહીં આવ્યા હોવાથી હાઇકોર્ટનો ચુકાદો તેમને લાગુ થતો નથી. તમિળનાડુના શાસક પક્ષ અન્નાદ્રમુકે સીએએનું સમર્થન કર્યું છે. પાર્ટીએ જણાવ્યું કે સીએએથી ભારતીય નાગરિકો પર કોઇ અસર થશે નહીં. રાજ્યના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ પ્રદર્શનકારીઓને સાંપ્રદાયિક સદ્‌ભાવ જાળવી રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે તમિળનાડુ સરકાર મુસ્લિમો વિરૂદ્ધ કોઇ પણ પ્રકારના પગલાને મંજૂરી આપશે નહીં.