(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
પાંડેસરામાં આજે સવારે કુદરતી હાજતે જતા યુવક પર મોબાઈલ લૂંટવાના ઈરાદે બે જણાએ ચપ્પુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવકે પ્રતિકાર કરી ચપ્પુ પકડી બુમાબુમ કરતા લૂંટારૂઓ ભાગી ગયા હતા યુવકે ચપ્પુ પકડી લેતા હાથની આંગણી કપાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ પાંડેસરા રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશ પારસનાથ પાંડે (ઉ.વ.૨૮) પાંડેસરામાં સંચા ખાતામાં મજૂરી કામ કરે છે. મહેશ આજે સવારે લગભગ પોણા છ વાગ્યાના આરસામાં ઘરથી થોડે દુર મિલન પોઇન્ટ નજીક રોજિંદી રીત ખુલ્લામાં કુદરતી હાજતે ગયો હતો, જ્યાં અચાનક જ બે અજાણ્યા તેની પાસે આવી ચપ્પુ બતાવી મોબાઇલ આપી દેવા જણાવ્યું હતું. મહેશે મોબાઈલ આપવાની ના પાડતા બે પૈકી એકે ચપ્પુ વડે તેમના પેટ પર હુમલો કર્યો હતો. જો કે, મહેશે ચપ્પુ વાગે તે પહેલાં પકડી બુમાબુમ કરતા લૂંટારૂઓ લોકોને આવતા જોઇ ભાગી ગયાં હતાં. આ ઘટનામાં તેમને જમણા હાથની છેલ્લી ત્રણ આંગણી હુમલાખોરના ચપ્પુથી કપાઇ ગઇ હતી. દોડી આવેલા લોકોએ ૧૦૮ને બોલાવી સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.