(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના કતારગામ ઉદયનગરમાં યુવાને ધાબા પર સુતેલા એક પરિવારના ત્રણ સભ્યોને ચપ્પુના ઘા મારી પતાવી દેવાની કોશિષ કરતા ભારે હોબાળો મચી ગયો હતો. મંગળવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ઇજાગ્રસ્તોની ચિચયાળી સાંભળી સોસાયટીના લોકો ભેગા થઈ ગયા હતા. એટલું જ નહીં પણ હુમલાખોરને ઝડપી પાડી જાહેરમાં ફટકાર્યો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા લોકોએ હુમલાખોરને પોલીસને સોંપી કડક કાર્યવાહીની માંગ કરી હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પ્રેમિકા બીજા યુવાનના પ્રેમમાં હોવાની શંકાને લઈ હુમલો કર્યો હોવાની વાત બહાર આવી રહી છે. હાલ હુમલાખોર સહિત આખુ પરિવાર સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત હરિષચંદ્ર રત્નકલાકાર તરીકે કામ કરે છે. પુત્ર શિવમે હાલમાં જ ધોરણ-૧૨ની પરીક્ષા આપી છે. જ્યારે દીકરી વંદના કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ હુમલાખોર શખ્સ સતિષ પણ મૂળ યુપીનો રહેવાસી છે અને થોડા સમય પહેલા જ વતનની પરત ફર્યો હતો. રત્નકલાકાર તરીકે કામ કરતા સતિષને વંદના જોડે પ્રેમ થઇ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે અને વંદના બીજાના પ્રેમમાં હોવાની શંકાને લઈ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક બહાર આવ્યું છે. શિવમ હરિષચંદ્ર યાદવ (ઉ.વ.૨૦)ને ગળાના ભાગે, વંદના હરિષચંદ્ર યાદવ (ઉ.વ.૨૩)ને પેટના ભાગે અને હરિષચંદ્ર રામકુમાર યાદવ ૪૫ને છાતી, પેટ અને પીઠ પર ઘા મરાયા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે. હુમલો કરનાર સતિષને સ્થાનિક લોકોએ ઝડપી પાડી તેને માર મરાયો હોવાથી ઈજાગ્રસ્ત થયો છે. હુમલાખોર યુવાન અને ઈજાગ્રસ્ત પરિવારના ત્રણે સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.