અમરેલી, તા.૬
અમરેલીમાં માતા પિતા અને ભાઈ બહેન સાથે સુતેલ ચાર વર્ષની માસૂમ બાળાને કોઈ હરામખોર શખ્સ સુતેલ હાલતમાં મોઢે ડૂચો દઈ ઝૂંપડાની બહાર લઇ જઈ બળાત્કાર ગુજારતા અરેરાટી વ્યાપી ગઈ હતી. નરાધમ બાળા સાથે બદકામ કરી ઝુંપડા સામેજ મૂકી નાસી ગયો હતો બનાવ અંગે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હરામખોર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે. આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના લીલીયા ફાટક પાસે રહેતા એક પરપ્રાંતીય આદિવાસી મજૂર મંગળવારની રાત્રીના તેની પત્ની તથા બે બાળકી અને બે બાળકો સાથે ઝૂંપડામાં સૂતા હતા ત્યારે રાત્રીના પોણા ત્રણેક વાગ્યેના આસપાસ કોઈ અજાણ્યા વાસનાખોર શખ્સે ઝૂંપડામાં આવી પરપ્રાંતીય મજુરની ચાર વર્ષની પુત્રીને મોઢે ડૂચો દઈ ઝુંપડા બહાર લઇ ગયો હતો અને થોડે દૂર લઇ જઈ તેની સાથે બદકામ કર્યું હતું. બાળકી થોડીવાર બાદ રડતા રડતા ઝુંપડા પાસે આવતા તેના માતા પિતા જાગી ગયા હતા અને બાળકીને રડવાનું કારણ પૂછતાં અને બાળકીની શારીરિક તપાસ કરતા બાળકીને ગુપ્ત ભાગમાંથી લોહી વહી રહ્યું હતું જેથી બાળકીના માતા પિતા તેને તાત્કાલિક દવાખાને લઇ ગયા હતા, જેથી તેની સાથે બદકામ થયું હોવાનું જાહેર થતા પોલીસે બાળકીના પિતાની ફરિયાદ લઇ અજણયા શખ્સ સામે ઇ.પી.કો.કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ પોકસો એક્ટ કલમ ૪, ૮, ૧૮મુજબ ગુનો નોંધી ઇન્ચાર્જ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી.ભરવાડ ચલાવી રહ્યા છે.