(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
શહેરના સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતેથી એસઓજી પોલીસે રૂા.૬ લાખનાં ચરસના જથ્થા સાથે કાશ્મીરનાં યુવકની ધરપકડ કરી હતી. પોલીસે યુવક પાસેથી ૩ કિલો ઉપરાંતનો ચરસનો જથ્થો, રોકડ રકમ અને મોબાઇલ કબ્જે લઇ તેની તથા તેના ભાગી છૂટેલા મિત્ર સામે સયાજીગંજ પોલીસ મથકમાં નાર્કોટીકસ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, વડોદરા શહેર સેન્ટ્રલ એસ.ટી.ડેપો ખાતે આજે સવારે બસમાંથી બે યુવાનો ઉતર્યા હતા. આ બંને યુવાનોને ગેટ પાસે સિક્યુરીટી જવાનોએ તેમની પાસેનાં થેલાની ચકાસણી કરવા ઊભા રાખ્યા હતા. જેથી ગભરાઇ ગયેલ બંને યુવકો થેલા સાથે ભાગ્યા હતા. સિક્યુરીટી જવાનો અને એસઓજી પોલીસનાં હાજર સ્ટાફે એક યુવાનને ઝડપી પાડયો હતો. પોલીસે ઝડપાયેલ યુવાન પાસેનાં થેલાની તલાસી લેતા તેમાંથી ૩ કિલો ૨૦ ગ્રામ ચરસનાં પડીકા મળી આવ્યા હતા. પોલીસે આ યુવાનની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ ફીરદોશ અહેમદ ગુલામહસન વાની (રહે.ગાસીપોર, વાની મહોલ્લા, ગ્રીડ સ્ટેશન સામે, તા.જી.અનંતનાગ, જમ્મુ-કાશ્મીર) હોવાનું જણાવ્યું હતું. તેના ભાગી છૂટેલા સાથીનું નામ પીર આસીફ મોહંમદ (રહે.બીજ બિહારા, જમ્મુ-કાશ્મીર) હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે રૂા.૬ લાખ ઉપરાંતનો ચરસનો જથ્થો, રોકડા ૧૮૩૩ રૂપિયા, ૧ મોબાઇલ ફોન મળી કુલ રૂા.૬.૦૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે બંને જણાં સામે સયાજીગંજ પોલીસ મથકમાં નાર્કોટીક્સ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપાયેલ ફિરદોશ અહેમદ આ ચરસનો જથ્થો કોણે આપવા જઇ રહ્યો હતો. અગાઉ ચરસનો જથ્થો પહોંચાડ્યો છે કે કેમ, તેમજ તેના ભાગી છૂટેલા સાથીદારની તપાસ હાથ ધરી છે.