ભાવનગર,તા.૩
તળાજાના જુના રેલવે સ્ટેશને સી.પી.આઈ. ઓફિસ સામે રહેતા બાવાજી રાજુગીરી ગોવિંદગીરી મેધનાદીનાં પત્ની ગીતાબેન રાજુગીરીએ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોડી સાંજના સુમારે આરોપીઓ આસીફ મહંમદભાઈ ઉર્ફે ડેની અને તેના પત્ની ફરીદાબેન બંન્ને દંપતિ રાજુગીરીને તેમના ઘરે રાત્રે સુવા માટે જગ્યા કરી આપવાનું કહેતા રાજુગીરીએ અને તેના પત્નીએ સ્પષ્ટ ના પાડી દેતા જે તે સમયે બંન્ને દંપતી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મોડીરાત્રે આસીફ ઉર્ફે ડેની અને તેના સાગરીતો રાજુગીરીના રહેણાંકની બહાર આવી અપશબ્દો બોલી ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપીઓએ રાજુગીરીને માર મારી છરીનો ઘા છાતીમાં ઝીંકી દેતા તેને ગંભીર હાલતે સૌ પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગરની સરકારી સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગઈકાલે તેનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
આ બનાવ અંગે ફરિયાદી ગીતાબેને તળાજા પોલીસ મથકમાં આસીફ ઉર્ફે ડેની મહંમદભાઈ, ફરીદાબેન આસીફભાઈ (બંન્ને રહે. બપાડાના પાટિયા પાસે, તળાજા) આસીફનો ભાઈ અમીર મહંમદભાઈ અને આકાશ અશોકભાઈ બાવાજી (રહે.દીનદયાળનગર, તળાજા)ની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી તળાજાના પીઆઈ જે.પી.ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ મરણજનાર બાવાજી રાજુગીરીનો પરિવાર ભિક્ષાવૃત્તિ અને છુટક મજુરીકામ કરતા હતા. જ્યારે આરોપી આસીફ ઉર્ફે ડેની નજીકના દીનદયાળનગરમાં ખારા વિસ્તારમાં રહે છે અને બપાડાના પાટિયા પાસે ઝૂંપડામાં રહી ભિક્ષાવૃત્તિ અને દારૂનો ધંધો તથા છુટક મજૂરી કરતા હતા. આરોપી મહિલા ફરીદાએ કે જે અગાઉના લગ્નના બાળકોને પણ છોડીને આસીફના ઘરમાં બેસી ગઈ છે. બનાવની રાત્રે ઉક્ત દંપતી રાત્રી રોકાણ કરવા મરણજનાર બાવાજી રાજુગીરીને ઘરે ગયા હતા. તે વેળાએ લડાઈ ઝઘડો થતા ઉક્ત ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.