(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
શહેરના લિંબાયત વિસ્તારમાં સસરા તથા સાળાઓએ ભેગા મળી યુવાન પર જિવલેણ હુમલો કરી ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી પોલીસે સસરા અને સાળા સહિત ચાર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ આદરી છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતા ભટુભાઇ શીવદાસ થોરાટના પુત્ર વિકાસના લગ્ન પરવત પાટિયા ચોર્યાસી ડેરીની બાજુમાં ડિમ્પલ નગરમાં રહેતા એકનાથ પગારેની પુત્રી રેખા સાથે થયા હતા. લગ્ન બાદ વિકાસ અને રેખા કોઇ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થતા રેખાને માઠું લાગી આવ્યું હતું અને રેખા પિયર પરત જતી રહી હતુ. આ વાતને કારણે રેખાના પિતાને ગુસ્સો આવ્યો હતો. ગતરોજ રાત્રે વિકાસ પરવત પાટિયા રોડ પર આવેલા ઇન્ટરસિટી કોમ્પ્લેક્ષ ડી. એલ. નેટવર્કની સામે ઉભો હતો ત્યારે તેના સસરા એકનાથ પગારે તથા સાળો રાકેશ પગારે, રાકેશના ફોઇના છોકરો અને અન્ય એક અજાણ્યો ઇસમ તેની પાસે આવ્યા હતા અને વિકાસને મારી નાંખવાના ઇરાદે છાતીના ડાબા ભાગે કમરના ભાગે છરીથી હુમલો કરી અન્ય આરોપીઓ ઢીક મુક્કીનો માર મારી ગાળો બોલી તમામ ફરાર થઇ ગયા હતા.