(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
વરાછા વિસ્તારના માતાવાડી ખાતે સિગારેટના પૈસા બાબતે બે માથાભારે ઇસમોએ પાનના ગલ્લાના માલિક સહિત ત્રણને છરીના ઘા ઝીંક્યા હતા. શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ભવાની મંદિર મોહનકાકાની ચાલમાં રહેતો ઉમેશભાઇ ઘેલાભાઇ રાઠોડ ઘર પાસે જ મહાકાળી પાન સેન્ટર નામની દુકાન ચલાવે છે. ગતરોજ સાંજના સમયે અશ્વીન બારીયયા ઉર્ફે ડેકરો અને તેમના સાથેના બે અજાણ્યા ઇસમો તેમની દુકાને સિગરેટ પીવા માટે આવ્યા હતા. જેથી ઉમેશ સિગરેટના પૈસા માંગતા માથાભારે અશ્વિન ભારીયાએ એલફેલ ગાળો ભાંડવાની શરૂ કરી હતી. જેથી ઉમેશે ગાળો બોલવાની ના પાડતા તેને ઢોર માર માર્યો હતો અને ચપ્પુુના ઘા ઝીંકી દીધા હતા. જેથી ઉમેશનો ભાઇ પ્રવીણ તેને છોડાવવા વચ્ચે પડતાં તેને પણ ઢોર માર મારી ચપ્પુના ઘા માર્યા હતા. આ દરમિયાન ઉમેશના બેનેવી વેલજીભાઇ ભાણાભાઇ ડાભી વચ્ચે પડતા તેને ઢિક મુક્કીનો ઢોર માર મારી તેને માથાના ભાગે તથા કપડાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેથી ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવ બાદ માથાભારે ચારેય ઇસમો ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે આખરે ઉમેશે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.