બોટાદ, તા. ર૩
બોટાદમાં નવનાળા પાસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી ત્રણ શખ્સો નાસી છૂટતાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે બોટાદ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતાં મૃતક યુવાન મહિલાને ભગાડી ગયો હોય જે બાબતે ડખ્ખો ચાલતો હોય તેનો ખાર રાખી મહિલાના દિયર સહિતનાઓએ ઢીમ ઢાળી દીધાનું બહાર આવ્યું છે. તેમજ વચ્ચે છોડાવવા પડેલા મૃતકના ભાઈને ઈજા થતાં હોસ્પિટલે ખસેડતા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા બે શકદારોને ઉઠાવી લઈ આકરી પૂછપરછ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બોટાદ હરણકૂઈ નવા મદ્રેસા પાસે રહેતો ઈમરાન ફરીદભાઈ વડદરિયા (ઉ.વ.ર૬) નામનો ઘાંચી મુસ્લિમ યુવાન અને તેનો મોટાભાઈ ઈરફાન (ઉ.વ. ર૮) જતા હતા ત્યારે નવનાળા પાસે પરવેઝ ઉર્ફે પીમપીમ, ઈલિયાસ ભાસ અને બે અજાણ્યા શખ્સોએ હથિયારો સાથે ધસી આવી છરી, ધોકા, પાઈપ વડે હુમલો કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઈમરાનનું મોત નિપજ્યું હતું.