(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર
જૂનાગઢ શહેરમાં બનેલા એક બનાવમાં પ્રેમિકાને મળવા ગયેલા એક યુવાનને પરણીતાનાં પતિએ છરીના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ છે. દરમિયાન પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી અને હત્યા કેસનાં આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. જૂનાગઢના હાઉસીંગ બોર્ડમાં રહેતી અને રીસામણે બેઠેલી પરણીતાને તેનો પ્રેમી મળવા આવતાં પતિને ખબર પડી હતી. આથી તે ત્યાં પહોંચી ગયો હતો અને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની હત્યા કરી નાંખી હતી. જૂનાગઢના હાઉસીંગ બોર્ડમાં આવેલા એક બિલ્ડીંગમાં રહેતી એક યુવતીને મહાદેવગિરી રાજનગિરી મેઘનાથી (ઉ.૧૯) નામનો યુવાન મળવા આવ્યો હતો. એ વખતે યુવતીનો પતિ જયદીપ મેઘનાથી પત્નીને ઘેર પહોંચ્યો હતો. મહાદેવગિરીને જોતાં જ તેણે આવેશમાં આવી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. જેને પગલે મહાદેગિરી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. દરમિયાન કોઈએ ૧૦૮ને જાણ કરતાં મહાદેવગિરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલે પહોંચેલા મહાદેવગિરીના પિતા રાજનગિરી નરોતમગિરી મેઘનાથીએ (રહે. ટીંબાવાડી, બિલનાથપરા, હનુમાન મંદિર પાસે) સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયદીપ રમેશભાઈ મેઘનાથી સામે પોતાના પુત્રની હત્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરેલ છે. દરમિયાન જયદીપ રમેશભાઈ મેઘનાથી હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ પોલીસે ત્યાં જ આરોપીને ઝડપી લઈ અને તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.