અમદાવાદ, તા.ર૬
કલોલ તાલુકાના છત્રાલ ગામે છેલ્લા કેટલાક મહિનાઓથી બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતાં જ રાજકીય હિત ધરાવતા કેટલાક તત્ત્વો કોઈકનો હાથો બની છાશવારે છમકલું કરતાં રહે છે તેમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં પણ પટેલ સમાજના એક શખ્સની હત્યાનો મુસ્લિમો પર આરોપ મૂકી જે કોમી તંગદિલી ફેલાવાઈ રહી છે તે અંગે સીસીટીવી કેમેરાની ફુટેજ મેળવી નિષ્પક્ષ તપાસ કરવા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ ઈન્ચાર્જ ડીજીપી મોહન ઝાને મળી માગણી કરી હતી.
છત્રાલના મુસ્લિમ સમાજ દ્વારા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાને આપેલ માહિતી મુજબ ઈન્ચાર્જ ડીજીપી મોહન ઝા સમક્ષ રજૂઆત કરી હતી કે તા.ર૪-૬-ર૦૧૮ના રોજ સાંજના સુમારે છત્રાલ ગામમાં રહેતા પટેલ અશોકભાઈ રણછોડભાઈનું ખૂન થયેલ હોવાની હકીકત બહાર આવેલ છે. આ બનાવ બાબતે છત્રાલ ગામના કેટલાક લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ છે. બનાવ બાબતે છત્રાલના મુસ્લિમ સમાજના લોકોને કોઈ જ માહિતી કે તેમની સંડોવણી નથી છતાં પૂર્વગ્રહયુકત ફરિયાદના આધારે નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. છેલ્લા ૧ વર્ષથી છત્રાલમાં લઘુમતી સમાજ અને હિન્દુ સમાજ વચ્ચે અવારનવાર કોમી તંગદિલીનું વાતાવરણ સર્જાય છે. કેટલાક સમય પહેલાં હિન્દુ સમાજ દ્વારા છત્રાલ ગામના સૈયદ ફરનાજહુસેન મોહંમદ હુસેનની હત્યા કરવામાં આવી હતી. આમ બન્ને પક્ષકારો વચ્ચે મનદુઃખ છે. છતાં મુસ્લિમ સમાજના લોકો ઉપરોકત બનાવ બાબતે કશું જ જાણતા ન હોવા છતાં મરનારના પરિવારજનો દ્વારા કરાયેલ પૂર્વાગ્રહ ફરિયાદના આધારે છત્રાલના મુસ્લિમ સમાજના લોકોને સંડોવી દેવાની દહેશત છત્રાલ ગામના મુસ્લિમ સમાજના લોકો દ્વારા સેવાઈ રહી છે. ઉપરોકત બનાવ બાબતે પૂર્વગ્રહ વગર કોઈપણ નિર્દોષ વ્યક્તિની ધરપકડ ન થાય તેની કાળજી રાખવા અને છત્રાલ જીઆઈડીસી પાસે આવેલ બનાવની જગ્યાના ચારેય બાજુના સીસીટીવી કેમેરા તથા સાક્ષીઓની સઘન ચકાસણી કરી સાચા ગુનેગારોની જ ધરપકડ કરી સખત નશ્યત કરવા તથા છત્રાલ અને કલોલમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઈ અઘટિત ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા માંગણી કરી છે.