(સંવાદદાતા દ્વારા)
પાવીજેપતુર, તા.૧
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી અંગેનું જાહેરનામું ઓકટોબર ર૦૧૭માં બહાર પાડવામાં આવેલ, જેને એક વર્ષ થવા આવ્યો હોવા છતાં આચાર્યોની ભરતી ર૩ર૯ શાળાઓમાં નહીં થતાં એચએમએટી પરીક્ષામાં સફળ થયેલ પ૦૦૦ જેટલા ઉમેદવારો અને સુકાની વિનાની શાળાઓના લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બનવા પામેલ છે. આ અંગે સાંપડતી વિગતો ચકાસતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી, જે પરીક્ષાના જાહેરનામાની શરતોનો ભંગ કરી કેટલીક ખાનગી શાળાઓના શિક્ષકોએ ગેરરીતિ આચરીને પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરી પરીક્ષા આપી હતી. ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આચાર્યની ભરતી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ, જેમાં આચાર્યની લાયકાત અંગેના નિયમો બતાવવામાં આવેલ, જે અંતર્ગત ખાનગી શાળાઓના શિક્ષકો કે અન્ય કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષકો તથા અન્ય શિક્ષકો તથા અન્ય શિક્ષકોના આવેદનપત્રો ચકાસણીના સમયે રદ કરાતા નારાજ થયેલ કેટલાક લોકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં એસસીએ નં.ર૧૪૮૬માં રર મુદ્દતો અને રર૭૩માં ૧૦ મુદ્દતો પડી છે, પરંતુ આજદિન સુધી કોઈ ન્યાયીક નિર્ણય નહીં આવતા રાજ્યની ર૩ર૯ શાળાના શિક્ષણ ઉપર સીધી અસર થઈ રહી છે. આમ, પોતે લાયકાત ધરાવતા ન હોવા છતાં ખાનગી શાળાઓના શિક્ષકોએ જાહેરનામાનો ભંગ કરી પરીક્ષા આપી આચાર્યની ભરતીમાં વડી અદાલતનો આશરો લઈ વિલંબ કરતા તેમજ વડી અદાલત માટે પણ ખોટું સોંગદનામું કરતા રાજ્યના ઉમેદવારોના પ્રતિનિધિઓ હાજર શિક્ષકો સામે ક્રિમીનલ પ્રોસિઝર કોડ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્યના શિક્ષણ વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરેલ છે, જ્યારે રાજ્યના લાખો છાત્રોના ભાવિનો પ્રશ્ન હોય તેવા સંજોગોમાં સરકાર આચાર્ય ભરતીમાં વિલંબ પેદા કરનાર તત્ત્વો સામે લાલઆંખ કરી કાયદેસરની કાર્યવાહી કરે અને કાયદા વિભાગના પ્રથમ સત્ર પૂરૂં થાય, તે પહેલાં આચાર્યોની ભરતી કરે તેવી શિક્ષણ આલમમાં અને સમાજમાં ઉગ્રમાંગ ઊઠી રહી છે.