રાયપુર, તા. ૪
છત્તીસગઢના કોરબા લોકસભા વિસ્તારમાંથી ભાજપના સાંસદ બંસીલાલ મહતોએ અત્યંત શરમજનક ટીપ્પણી કરતા એક કુશ્તી સ્પર્ધામાં કહ્યું હતું કે, છત્તીસગઢની છોકરીઓ ‘ટનાટન’ થતી જઇ રહી છે. મહતોના આ નિવેદન પર વિપક્ષે જાહેરમાં માફી માગવાની માગ કરી છે. ગાંધી જયંતિ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા મહતોએ જણાવ્યંુ હતું કે, રાજ્યમાં ખેલમંત્રી ભૈયાલાલ રજવાડે હંમેશા મને કહે છે કે, હવે મુંબઇ અને કોલકાતાની છોકરીઓની જરૂર રહી નથી, કોરબા અને છત્તીસગઢની છોકરીઓ હવે ટનાટન થતી જઇ રહી છે. જોકે, અંગ્રેજી સમાચાર એજન્સીનો દાવો છે કે, જ્યારે રજવાડેને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાને આ નિવેદનથી પોતાને અલગ કરી દીધા હતા. રજવાડેએ તેમના ગત ભાષણની એક લાઇનમાંથી કહ્યું કે, મંત્રીજીએ એક વખત એવું કહ્યું હતું કે, મુંબઇ અને દિલ્હીમાંથી કલાકારોને લાવવાની જરૂર નથી કારણ કે, હવે છત્તીસગઢની છોકરીઓ હવે પ્રતિભાશાળી અને યોગ્ય છે. પ્રવક્તા અનુસાર મહતોના આ ટીપ્પણી સાથે કોઇ લેવા-દેવા નથી.
દરમિયાન મહતોના આ નિવેદનને વિપક્ષે મુદ્દો બનાવી લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર અમિત જોગી પણ આ કાર્યક્રમમાં હાજર હતા. જોગીએ આ ટીપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું હતું કે, એક વરિષ્ઠ સાંસદ દ્વારા આવી અશોભનીય ટીપ્પણી દુર્ભાગ્યપૂર્ણ છે. આ ભાજપની મહિલાઓ પ્રત્યે માનસિકતા દર્શાવે છે. ભાજપના ઘણા પ્રતિનિધિઓની ભાષાનું સ્તર નીચે જતું દેખાઇ રહ્યું છે. તાજેતરમાં જ પત્રકાર ગૌરી લંકેશની જઘન્ય હત્યા બાદ કર્ણાટકમાંથી ભાજપના ધારાસભ્ય ડીએન જીવરાજે પણ વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, જ્યારથી કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારથી ભાજપ અને હિંદુ જૂથોના ૧૧ નેતાની રાજ્યમાં હત્યા થઇ ચૂકી છે. જો ગૌરી લંકેશે હત્યાઓની નિંદા કરી હોત અને સિદ્ધરમૈયા સરકારની ટીકા કરી હોત તો શું એવું નથી લાગતું તે આજે જીવિત હોત ?