(એજન્સી) લખનૌ,તા.ર૪
યુપીમાં યુવતીઓ કે મહિલાઓ વિરુદ્ધ થતી ઘટનાઓનો દોર હજુ પણ જારી જ છે. હવે લખીમપુર ખીરીમાં એક હૃદયદ્વાવક ઘટના સામે આવી છે. અહીં એક દુકાનદારે કોલેજની વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોકર્ણનાથ વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની કોલેજના પ્રોજેક્ટના કામથી ઘરેથી નીકળી હતી. આ દરમિયાન વિકાસ ચાર રસ્તા પર એક દુકાનદારે તીક્ષ્ણ કાચ વડે વિદ્યાર્થિની પર હુમલો કર્યો. હુમલાખોરનું નામ અંશુ દીક્ષિત જણાવવામાં આવી રહ્યું છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થિનીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેવામાં આરોપી અંશુ હુમલો કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન લઈ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર આ કેસ એકતરફી પ્રેમનો લાગી રહ્યો છે. આ કેસમાં પીડિતાની માતાએ જણાવ્યું કે જ્યારે તેમની પુત્રી કોલેજના પ્રોજેક્ટ માટે ઘરની બહાર ગઈ હતી તો આરોપીએ તેનો હાથ પકડીને તેને ખેંચી. વિદ્યાર્થિનીએ તેની સાથે વાત ન કરતા તેણે તેના પર ધારદાર કાચ વડે તેના પર હુમલો કર્યો.