(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
શહેરમાં રોગચાળાએ માથુ ઉંચકતા વડોદરા મહાનગર પાલિકાના ફુડ વિભાગે આજે સયાજીગંજ વિસ્તારમાં ફરસાણ અને ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું. ફુડ વિભાગે ૧૫ કિલો તેલનો જથ્થો સ્થળ પર નાશ કર્યો હતો.
ફુડ ઇન્સ્પેકટર મનીષાબેને જણાવ્યું હતું કે, શહેરના સયાજીગંજ વિસ્તારમાં કડક બજાર સહિત આસપાસની ફરસાણની દુકાનો તેમજ ફરસાણની લારીઓ ઉપર ટોટલ પોલર કંટ્રોલ (ટી.પી.સી.) દ્વારા તેલનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફરસાણના વેપારીઓ એક જ તેલમાં વારંવાર વસ્તુઓ તળતા હોય છે. તેલ કાળુ થઇ ગયા બાદ પણ ખાદ્ય પદાર્થો તળવામાં આવે છે. જે પદાર્થો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ફુડ વિભાગે ૧૫ કિલો તેલનો નાશ કર્યો હતો. શહેરમાં છેલ્લાં કેટલાક સમયથી રોગચાળાએ માથુ ઉંચકયું છે. આજે ફુડ વિભાગની બે ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવતા ભેળસેળ કરવાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.