(સંવાદદાતા દ્વારા)
રાજપીપળા, તા.૧૮
પ્રકાશનું પર્વ એટલે દિવાળી, આજે દિવાળી છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં દેશી ફટાકડાની બોલબાલા છે. આ દેશી ફટાકડા ઇકો ફેન્ડલી ફટાકડા બનાવાય છે અને આ દેશી ફટાકડા ગુજરાતભરમાંથી લોકો ખરીદવા આવે છે. જે રાજપીપળા શહેરમાં મુસ્લિમ પરિવાર દ્વારા છેલ્લી ૫ પેઢીથી દેશી ફટાકડા બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આ વર્ષે આ વરસાદમાં કાચો માલ પલળી જતા દેશી ફટાકડા જોવા નહિ મળે. રાજપીપળા ગાર્ડનમાં દેશી ફટાકડા વેચવા લીધેલી દુકાન પણ ખાલી ખમ હોવાથી ગ્રાહકોમાં નિરાશા જોવા મળી છે. રાજપીપળા મુસ્લિમ પરિવર દ્વારા છેલ્લી ૫ પેઢીઓથી રાજપીપળામાં રાજા રજવાળા વખતથી ખાસ ઘોંઘાટ વગરના ઈકો ફેન્ડલી ફટાકડા બનાવવામાં માટે માંટી, કાગળ, વાંસ, કોલસો અને સલ્ફરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી આ ફટાકડા પ્રદુષણ રહિત અને અવાજ પણ કરતા ન હોવાની સાથે માત્ર પ્રકાશ રેલાવે છે. બાળકોને આ ફટાકડા ફોડતા ડર પણ નથી લાગતો હોવાથી ગુજરાતભરમાંથી લોકો દેશી ફટાકડા ખરીદવા માટે રાજપીપળામાં આવે છે અને દેશી ફટાકડાના નામ પણ દેશી જેવા જેવાકે રોટલો, ભમચકરડી, મરચું, ગોવિંદ ગાંડો જેવા નામ આપવામાં આવ્યા છે અને બાળકો વિલાયતી ફટાકડા કરતા દેશી ફટાકડા ફોડવાનું વધુ પસંદ કરે છે અને તે દરેકમાં લાંબી લાકડી જોડેલી હોવાથી નાના બાળક પણ તેનું લુપ્ત ઉઠાવી શકે છે. અહી આ કારીગરોની ખાસિયત એ છે કે, લગ્ન અને શુભપ્રસંગે તો ઓર્ડર પ્રમાણે કન્યાના નામ સાથેની આતશબાજી પણ કરે છે અને ઝરણામાંથી પાણી પડતું હોય તેવા ફટાકડા પણ તૈયાર કરે છે સાથે આ દરેક ફટાકડા પર્યાવરણને નુકસાન પહોચાડતા નથી.