અમદાવાદ, તા.૨૯
શહેરના ગણેશ જીનેસીસ આગની ઘટનામાં આગ ક્યાંથી અને કયા કારણે લાગી તેને લઇ હવે નવો વિવાદ સામે આવ્યો છે. ત્યારે આગમાં મૃત્યુ પામેલા મહિલા અંજનાબહેન પટેલના ભાઈએ શહેર પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે કે, આ આગની ઘટના જે ફ્‌લેટમાં બની છે તેના માલિક રાજુભાઈ મિશ્રા રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી પૈસાના જોરે મામલો રફેદફે કરવા માગે છે. એટલું જ નહીં, ઘટના સમયે રાજુભાઈના ફલેટમાં કેમીકલના કેરબા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. જેને લઇને હવે પોલીસ પણ આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરે તેવી પ્રબળ શકયતા છે. જો કે, આ કેમીકલના કારણે આગ વધુ પ્રસરી હોય તેવી વાત પુરવાર થશે તો આ કેસમાં નવો વળાંક આવશે તે પણ નક્કી છે. ગણેશ જીનેસીસની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અંજનાબહેન પટેલના ભાઈ મિતેશ પટેલે આગની ઘટનાને લઈ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘને પત્ર લખ્યો છે. આ પત્ર મુજબ, ગોતાના ગણેશ જીનેસીસ એપાર્ટમેન્ટના પાંચમા માળે જેમના ઘરે આગ લાગી હતી તે રાજુભાઈ મિશ્રા દ્વારા કેસને નબળો સાબિત કરવા પુરાવાનો નાશ કરવામાં આવી રહ્યો છે. ગોતા જગતપુર ખાતે આવેલ ગણેશ જીનેસિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ઈ-૬૦૪ મારા બહેન અંજના મહેશભાઈ પટેલ રહે છે. જેમનું આગને કારણે મોત નીપજ્યું છે. જીનેસીસ ફ્‌લેટના ઈ બ્લોકના પાંચમાં માળે રાજુભાઈ મિશ્રાના ઘરે સાત એસી લગાવવામાં આવ્યા હતા. આ એસીમાં ઓવરલોડને કારણે બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. જે આગ છઠ્ઠા માળે પહોંચતા મારા બહેનનું દાઝી જવાથી અવસાન થયું હતું. જ્યારે મારો ભાણીયો ધ્રુવ ૭૫ ટકા દાઝી ગયો છે અને હાલ સારવાર હેઠળ છે. આ રાજુભાઈ મિશ્રાએ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાડી હોવાથી તેમને બે ફલેટ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે બંને ફ્લેટ જોડી દીધા હતા. આ રાજુભાઈ રાજકીય પીઠબળ ધરાવતા અને પૈસા પાત્ર વ્યક્તિ છે. જેથી રૂપિયાના જોરે કેસને રફેદફે કરાવવા પ્રયાસ કરે છે. ઘટના બની ત્યારે તેમના મકાનમાં કેમીકલના કેરબા હતા. જેનો તેમના ધંધામાં વપરાશ કરવામાં આવે છે. આ જ્વલનશીલ કેમીકલના કારણે આગ વધુ તીવ્ર બની હતી અને વધુ પ્રમાણમાં પ્રસરી હતી. બીજી તરફ તેમના ઘરમાં બ્લાસ્ટ થયો હોવાથી દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, છતાં તેમના પત્ની તેમના ઘરે એસીમાં બ્લાસ્ટ ન થયા હોવાનું કહી રહ્યા છે.
બહેને આપેલા નિવેદન મુજબ, છઠ્ઠા માળે લાગેલી આગ પાંચમે માળે આવી હતી, આ વાત તદ્દન પાયાવિહોણી છે. જેથી પુરાવાનો નાશ ન કરે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના બંને મકાનો પોલીસ કબજામાં લેવા જોઈએ. ગઈકાલે તેમના ઘરેથી સામાન ઉપાડ્યો હતો, તેમાં બોક્સમાં કેમીકલના કેરબા લઈ જવાયા હતા. આ બાબત એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરવાથી સ્પષ્ટ થશે. હવે આ પત્ર બાદ સમગ્ર મામલામાં પોલીસ નવા એન્ગલથી તપાસ હાથ ધરે તેવી પણ શક્યતા છે અને જો પત્રમાં કરાયેલા આક્ષેપો સાચા પુરવાર થશે તો સમગ્ર કેસમાં એક નવો વળાંક આવશે તેવી પૂરી શક્યતા છે.