(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૧૯
મોરબીના ત્રાજપર ગામની આસપાસ આવેલ કારખાનામાંથી બેફામ કેમિકલયુક્ત દુર્ગંધ મારતું ગંદુપાણી ત્રાજપર ગામના રહેણાંક વિસ્તાર નજીકથી પસાર થતાં વોંકળામાં ઠલવાઈ રહ્યું છે જે કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનોના આરોગ્ય પર ખતરો ઊભો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને આ પાણી વોંકળામાં થઈને અહીથી પસાર થતી કાલિન્દ્રી નદીમાં ભળી જાય છે જે જીવસૃષ્ટિને મોટું નુકસાન પહોંચાડે છે. ત્રાજપર નજીકમાં જ કારખાનેદારો બેફામ પ્રદૂષણ ફેલાવતા હોય જેના કારણે આજુબાજુના રહીશો અને ગ્રામજનોને શ્વાસની તકલીફ પડતી હોય કેમિકલયુક્ત પાણી છોડતા પશુઓ પાણીમાં બેસતા અનેક પ્રકારના રોગો થઈ તે મોતને ભેટે છે હવા પ્રદૂષણ તેમજ કેમિકલયુક્ત પાણી ઉડતી રજકણો બાળકોના સ્વાસ્થ્ય સામે જોખમરૂપ જણાઈ છે તેમજ કેમીકલયુક્ત પાણી છોડવામાં આવતા બાળકો ઉપરાંત મોટેરાઓ ચામડીના રોગને ભેટશે તેવી ભીતિ સેવાઈ રહી છે જો કે, આ અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતા આજદીન સુધી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ કે, સ્થાનિક તંત્રએ ધ્યાન દોર્યું નથી અને પરિસ્થિતિ જૈસે થૈની સ્થિતિમાં છે ત્યારે પ્રદૂષણ ઓકતા અને ફેલાવતા કારખાનેદાર સામે તંત્ર કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ક્યારે લાલ આંખ કરશે તેવો સળગતો સવાલ ગ્રામજનોમાં ઉઠવા પામ્યો છે. આ અંગે ત્રાજપર માજી સરપંચ અશોકભાઈએ ઉગ્ર પ્રતિક્રીયા આપી તંત્ર પર રોષ ઠાલવી આગામી સમયમાં ઘટતું નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી છે.