પી.ચિદમ્બરમ એમની સાથે જોડાયા
ચેન્નાઈ,તા.ર૩
આજે અહિંયા ડીએમકે અને એમના સાથી પક્ષોએ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ખૂબ જ મોટી રેલી યોજી હતી. આ રેલીની આગેવાની ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલીને લીધી હતી. એમની સાથે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમ, વી.સી. કે નેતા થિરૂમાલવાન અને કોંગ્રેસના રાજય એકમના અધ્યક્ષ કે.એસ. અલાગીરી પણ જોડાયા હતા. એમણે રેલીમાં ધર્મના નામે અમારામાં ભાગલા ના પાડો, ભારત અમારી માતૃભૂમિ છે. એકતા અને વિવિધતા જેવા સુત્રો પોકાર્યા હતા. ડીએમકે અને સાથી પક્ષોના હોદ્દેદારોએ હાથમાં ધ્વજો, બેનરો અને પ્લેકાર્ડ લીધા હતા. એમણે સરઘસની જેમ કૂચ કરી હતી. રેલી એગમોરથી રાજરથીનમ સ્ટેડિયમ સુધી ગઈ હતી. જે લગભગ ર.પ કિ.મી.નો માર્ગ છ.ે રેલીમાં સુરક્ષાનો બંદોબસ્ત કરાયો હતો અને ડ્રોનથી પણ નિગરાની રખાઈ હતી. સ્ટેડિયમ ઉપર જાહેરસભામાં ફેલાયેલી રેલીને સ્ટાલીને સંબોધી હતી. એમણે કાર્યકરો અને પોલીસનો આભાર માન્યો અને જણાવ્યું કે એમના સહયોગથી રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. રેલીમાં કેન્દ્ર સરકાર સામે સૂત્રો પોકાર્યા હતા અને એ સાથે આ બિલનું સમર્થન કરનાર એઆઈએ ડીએમકેની પણ આલોચના કરી હતી. સ્ટાલીને જણાવ્યું કે આ રેલી કાર્યકરોનો વિરોધ ન હતો પણ સીએએ સામે લડનાર એક બટાલીયન હતી. હું તામિલોનું આભાર માનુ છું જે રેલીમાં જોડાયા અને પોતાનો વિરોધ દર્શાવ્યું. મંચ ઉપર સ્ટાલીન સાથે પી. ચિદમ્બરમ અને અન્ય નેતાઓ પણ હાજર હતા. એમણે જણાવ્યું કે સીએએનો વિરોધ ફકત આજના આંદોલન પૂરતો નથી. પણ આંદોલનને હજુ આગળ વધારવામાં આવશે. જયાં સુધી સરકાર આ કાયદો પાછો નહીં ખેંચશે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું. થોડા દિવસો પહેલા સ્ટાલીને પોતાના પક્ષ દ્વારા રાજયમાં સીએએ વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. એમણે કહ્યું કે જો કેન્દ્ર સરકાર પોતાનું વલણ નહીં બદલશે તો વધુ ઉગ્ર પ્રદર્શનો કરીશું. એમણે કહ્યું કે આ કાયદો મુસ્લિમો અને શ્રીલંકાના તામિલો વિરૂદ્ધ છે. એઆઈએ ડીએમકેએ રેલીને રોકવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે હાઈકોર્ટે રેલી ઉપર મનાઈ ફરમાવવા ઈનકાર કર્યો હતો. સ્ટાલીને હાઈકોર્ટનો આભાર માન્યો એ સાથે એમણે એઆઈએડીએમકેને ટોણો મારતા કહ્યું કે એમણે અમારી રેલીને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પ્રસિદ્ધિ આપી એ બદલ આભાર.
એમડીએમકે નેતા વાઈકોએ જણાવ્યું કે અમારી રેલી સફળ રહી છે. હવે કેન્દ્રને સમજાશે કે એમણે આ કાયદો ઘડી મોટી ભૂલ કરી છે. કે.એસ. અલાગિરીએ જણાવ્યું કે અમારી રેલી જોઈ દેશમાં બધા લોકો આશ્ચર્યમા પડી ગયા છે. આ રેલી દ્વારા અમોએ ભાજપની ખામીઓ ઉજાગર કરી છે એ સાથે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ પણ કર્યો છે. સ્વતંત્રતા સંગ્રામને આગળ લઈ જવો એ અમારી ફરજ હતી જે અમે પૂર્ણ કરી છે. એમની સાથે સીપીએમ, સીપીઆઈ, આઈયુએમએલ, વીસીકેના નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા.