અમદાવાદ, તા.૬
ફલેટની ખરીદી માટે ઉછીના રૂ.૨.૫૦લાખ લીધા બાદ તે પરત ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરનાર અને તે પેટે આપેલા ચેક પરત ફરવાના કેસમાં પેરેડાઇઝ પ્લાઝા, હાથીજણ સર્કલ ખાતે રહેતા અને વિઠ્ઠલનગરનો ટેકરો, જશોદાનગર ખાતે દવાખાનું ધરાવતા આરોપી મહિલા ડોકટર મીનાક્ષીબહેન મોહનભાઇ વીરમગામાને એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ મેહુલ ડી.પરમારે છ માસની સખત કેદ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં નોંધનીય વાત તો એ છે કે, ફરિયાદ કરનાર પણ ડોકટર છે અને સજા પામનાર આરોપી મહિલા ડોકટર છે. શહેરના જશોદાનગર પરિમલ સોસાયટી પાસે રહેતા ફરિયાદી ડોકટર સુધીરભાઇ ઇન્દ્રવદન ત્રિવેદી તરફથી આરોપી મહિલા ડોકટર મીનાક્ષીબહેનન વિરમગામા વિરૂધ્ધ કરાયેલી કોર્ટ ફરિયાદમાં એડવોકેટ હરીશ એસ.સોલંકીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં ફરિયાદી ડોકટર છે અને આરોપી પણ મહિલા ડોકટર છે. આરોપી ડોકટર મીનાક્ષીબહેન વીરમગામા ફરિયાદી ડો. સુધીરભાઇ ત્રિવેદીના પરિચિત ડોકટર કે જે જશોદાનગરમાં દવાખાનુ ચલાવે છે ડો.અલકાબહેન પટેલ તેમના મારફતે ફરિયાદીના પરિચયમાં આવ્યા હતા. આરોપી ડોકટર મીનાક્ષીબહેન આયુર્વેદીક ડોકટર હોવાથી કેટલાક દર્દીઓને ફરિયાદી તેમના ત્યાં મોકલતા હતા. ગત તા.૨૭-૧૦-૨૦૧૩ના રોજ આરોપી ડો.મીનાક્ષીબહેન ડો.અલકાબહેનને લઇ તેમના ત્યાં આવ્યા હતા અને પેરેડાઇઝ પ્લાઝામાં ફલેટ બુક કરાવ્યો હોઇ તેની ચૂકવણીમાં ખૂટતા પૈસા પેટે રૂ.૨.૫૦લાખની માંગણી કરી હતી. આરોપીએ લોન લઇ આ પૈસા પાછા આપી દેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તા.૨૯-૧૦-૨૦૧૩ના રોજ ફરિયાદી ડોકટરે તેમના રૂ.૧.૫૦ લાખ અને ડો.અલકાબહેનના રૂ.૧ લાખ મળકુલ રૂ.૨.૫૦ લાખ આરોપી ડો.મીનાક્ષીબહેનને ઉછીના આપ્યા હતા. ત્રણ મહિના બાદ ફરિયાદીએ પૈસાની ઉઘરાણી કરતાં આરોપી ડો.મીનાક્ષીબહેને હજુ લોન પાસ થઇ નથી તેમ કહી પૂરા પૈસા આપ્યા ન હતા પરંતુ દસ હજારનો ચેક આપ્યો હતો. એ પછી, બીજા ત્રણ ચેકો મહિના-મહિનાના દસ-દસ હજારના ચેકો ફરિયાદીને અપાયા હતા, જે તમામ પાસ થઇ જતાં ફરિયાદીને એટલા પૈસા મળ્યા હતા પરંતુ આરોપી ડો.મીનાક્ષીબહેને ગત તા.૨૯-૧૨-૨૦૧૪નો કાંકરિયા મણિનગર નાગરિક સહકારી બેંકનો રૂ.૧૦ હજારનો ચેક ફરિયાદીને આપ્યો હતો, જે સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફર્યો હતો.
ફરિયાદીએ પોતાના પૈસાની આરોપી મહિલા ડોકટર પાસે ઉઘરાણી કરતાં તેઓએ ધમકી આપવા લાગ્યા હતા અને થાય તે કરી લેવાનું જણાવ્યું હતું. વારંવારની ઉઘરાણી અને કાયદેસર નોટિસ આપવા છતાં ફરિયાદીના પૈેસા નહી મળતાં આખરે તેમને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ હેઠળ હાલની આ ફરિયાદ મહિલા ડોકટર વિરૂધ્ધ દાખલ કરવાની ફરજ પડી છે. કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાને લઇ આરોપી મહિલા ડોકટરને સખત નશ્યત કરવી જોઇએ. ret