(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૧
સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલ પટેલ ટાઉનશીપ નામના પ્રોજેક્ટના નામે ૯૦૦ લોકોને વન બીએચકે અને ટુ બીએચકે પ્રોજેક્ટના નામે ર૦૧૪ થી દર વર્ષે રૂપિયા ઉઘરાવતા હતા પરંતુ હજુ સુધી કોઇને મકાન આપ્યું નથી તથા કામ પણ શરુ કરાયું નથી. જેથી ભોગ બનેલા ૧૬૪ લોકોએ કાપોદ્રા પોલીસ માં સવા ત્રણ કરોડની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલ પટેલ ટાઉનશીપ પ્રોજેક્ટના નામે ૨૦૧૪ના વર્ષથી અત્યાર સુધી નિયમિત રીતે રૂપિયા ઉઘરાવવામાં આવતાં હતાં. લોકોને ઘરનું ઘર મળે તે હેતુથી રૂપિયા ભરતાં હતા, પરંતુ સ્થળ પર કોઈ જ કામગીરી શરૂ ન થઈ હોવાથી લોકોએ તપાસ કરી તેમાં આ પ્રોજેક્ટમાં છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું હતું. જમીન હજુ બિન ખેતીમાં છે. તથા સાત બારની નકલ કઢાવતા જમીન ખેડૂતોના નામે અને બિલ્ડરોના નામે માત્ર સાટાખત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે બિલ્ડર કમલેશ પીઠવડીવાળા, યોગેશ કોટડીયા અને ભરત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી પારસ વિનુભાઇ સગરએ જણાવ્યું હતું કે, સરગમ શોપિંગ સેન્ટર હીરાબાગ ખાતેની ઓફિસમાં દર મહિને પાંચ હજાર અને મકાનની સાઈઝ પ્રમાણે હપ્તા લેવામાં આવતાં હતાં. માસ્ટર હપ્તા દર છ મહિને આવતાં અને એકંદરે રૂ.૧.૧૦ લાખ રૂપિયા એક ફ્‌લેટનું બુકીંગ કરનારે ચુકવવાના રહેતા હતાં. ફ્‌લેટના બુકીંગ કરનાર જગ્યા પર મુલાકાત લેતા ત્યારે ત્યાં કશુ જ જોવા મળતું ન હોતું. જેથી લોકો બિલ્ડરો પાસે પુછપરછ કરતાં ત્યારે વહેલી તકે કામ શરૂ થઈ જશે. હજુ આ રિપોર્ટ બાકી છે તેમ કહેતા ચાર વર્ષે મકાન આપવાના હતાં. પરંતુ હજુ ત્યાં કોઈ કામ થયું નથી થોડા સમય પહેલા ખાડા ખોદાયેલા પરંતુ વળી પુરાણ કરી દેવાયું અને કહેવામાં આવ્યું હતું કે, રોડ નીકળતો હોવાથી કામ બંધ કરાયું છે. છેતરાયાની ખાતરી થઈ જતાં ૧૬૪ લોકોએ ભેગા મળીને ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.