(એજન્સી) શિકાગો, તા.૨૬
અમેરિકાના શિકાગો સહિત મિડવેસ્ટમાં બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે ૧,૨૪૦ ફ્લાઇટ કેન્સલ થઇ છે. અમેરિકામાં થેન્ક્‌સ ગિવિંગના અંતિમ દિવસે બરફવર્ષા થઇ હતી. હવામાન વિભાગ અનુસાર, નોર્થ ઇસ્ટના કેન્સાસથી શિકાગો સુધી બરફવર્ષાની આગાહી જાહેર કરવામાં આવી છે. રવિવારે મોડી રાતથી કન્સાસ, સેન્ટ્રલ મિઝોરી, સાઉથ-ઇસ્ટ નેબ્રાસ્કા અને સાઉથ લોવામાં બરફવર્ષા થઇ રહી છે. વાવાઝોડાંના કારણે ૪૮-૫૬ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે આગાહી કરવામાં આવેલા વિસ્તારોમાં ૧૨ ઇંચ સુધી બરફવર્ષા થઇ શકે છે. આજે સોમવારે નોર્થ ઇન્ડિયાના અને સાઉથ મિશિગનમાં બરફવર્ષા થશે.
નેશનલ વેધર સર્વિસના બોબ ઓરાવેકના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાંની સૌથી વધુ અસર કન્સાસ અને શિકાગોમાં થઇ રહી છે. રવિવારે મોડીરાતથી થતી બરફવર્ષાના કારણે લોકોને સુરક્ષિત સ્થળે રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
ફ્લાઇટઅવેર.કોમ અનુસાર, રવિવારે અમેરિકાની ૧,૨૪૦ ફ્લાઇટ્‌સ વાવાઝોડાંના કારણે રદ કરવામાં આવી છે. મોટાંભાગની ફ્લાઇટ શિકાગોના ઓ’હારે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શિકાગો મિડવે એરપોર્ટ પરથી રદ કરવામાં આવી છે. આ બંને એરપોર્ટથી ૯૦૦ ફ્લાઇટ રદ થઇ છે. જ્યારે કન્સાસ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૨૦૦ ફ્લાઇટ્‌સ કેન્સલ કરવામાં આવી છે.