(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
યુપીએસસીની ૨૦૧૦ની પરીક્ષામાં ટોચના સ્થાને રહેવાને કારણે ચર્ચામાં રહેલા જમ્મુ-કાશ્મીરના આઇએએસ અધિકારી શાહ ફૈસલે કાશ્મીરમાં થઇ રહેલી હત્યાઓ અને આ મામલે કેન્દ્ર સરકાર તરફથી ગંભીર પ્રયાસો નહીં કરવાનો આરોપ લગાવતા બુધવારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. ફૈસલના રાજીનામા બાદ મચેલા રાજકીય ધમસાણ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મોદીસરકરા પર આકરા પ્રહાર કર્યા હતા. સતત કરેલા ટિ્‌વટમાં પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે, શાહ ફૈસલે રાજીનામું આપ્યું તે, સત્તાધારી ભારતીયજનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સરકાર પર કલંક છે. તેમણે કહ્યું કે દુનિયા તેના આક્રોશ, પીડા અને પડકારને યાદ રાખશે. કોંગ્રેસના નેતાએ ટિ્‌વટ કરીને લખ્યું કે, દુઃખદ છે પણ હું આઇએએસ અધિકારી શાહ ફૈસલને સલામ કરૂં છુંં. તેમના નિવેદનનો દરેક શબ્દ સાચો છે અને આ શબ્દો ભાજપ સરકાર પર કલંક છે.
ચિદમ્બરમે વધુમાં લખ્યું કે, લાંબા સમય પહેલાની વાત નથી જ્યારે ટોચના પોલીસ અધિકારી રિબેરોએ આ પ્રકારની જ વાત કરી હતી પણ સત્તામાં બેઠેલા લોકોના મોઢામાંથી આશ્વાસનનો એક શબ્દ પણ બહાર આવતો નથી, આપણા સાથી નાગરિકોના આ પ્રકારના નિવેદનોથી આપણે આપણું માથું શરમ અને પસ્તાવાથી ઝુકાવી દેવું જોઇએ. ૩૫ વર્ષના ફૈસલે ફેસબૂક પર સિવિલ સેવા અધિકારીના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરતા લાંબા નિવેદનમાં લખ્યું હતું કે, તેમનું રાજીનામું હિંદુવાદી શક્તિઓ દ્વારા આશરે ૨૦ કરોડ ભારતીય મુસ્લિમોના હાશિયામાં ધકેલાવાને કારણે તેમનુ સ્થાન નીચું જવાથી જમ્મુ-કાશ્મીર રાજ્યની વિશેષ ઓળખ પર કપટપૂર્ણ હુમલા તથા ભારતમાં અતિ-રાષ્ટ્રવાદના નામે અસહિષ્ણુતા તથા નફરતની વધતી સંસ્કૃતિ વિરૂદ્ધ છે. તાજેતરમાં વિદેશમાં તાલીમ લઇને આવેલા પોતાના નવા પદની રાહ જોઇ રહેલા ફૈસલે કહ્યું કે, તેમણે કાશ્મીરમાં સતત હત્યાઓની ઘટનાઓ અને આ અંગે કેન્દ્ર સરકાર તરફથી કોઇ ગંભીર પ્રયાસ નહીં થવાને પગલે ભારતીય વહીવટી સેવામાંઍથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ફૈસલે ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારનું નામ લીધું ન હતું પણ પરોક્ષ પ્રહાર કરતાઆરોપ લગાવ્યો હતો કે આરબીઆઇ, સીબીઆઇ અને એનઆઇએ જેવી સરાકરી સંસ્થાઓને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે જેનાથી આ દેશની બંધારણીય ઇમારત ઢળી શકે છે તેને રોકવું જોઇએ.
ટોચની સમાચાર એજન્સી અનુસાર ફેસલે કહ્યું કે, હું યાદ અપાવવા માગું છું કે, દેશમાં અવાજોને લાંબા સમય સુધી દબાવી શકાશે નહીં અને જો આપણે સાચા લોકતંત્રમાં રહેવા માગીએ છીએ તો આપણે આ બાબતો રોકવી જોઇએ. ફૈસલે આઇએએસમાં પસંદગી થવા અને તેમના આગળના માર્ગમાં તેમનું સમર્થન કરવા માટે મિત્રો, પરિવાર અને શુભચિંતકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મારૂં મહત્વપૂર્ણ કામ વહીવટી સેવામાં આવવા માગતા યુવાઓ તાલીમ આપવાનું હશે જેથી તેમના સપના પુરા થાય. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ શુક્રવારે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે જાણકારી આપશે. સોશિયલ મીડિયા પર ફૈસલના રાજીનામાના સમાચાર ફેલાતા જ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહે તેમનું રાજનીતિમાં સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, અમલદારશાહીનું નુકસાન રાજકારણનો ફાયદો બની શકે છે. તમારૂ અહીં સ્વાગત છે. જોકે બાદમાં તેમણે કહ્યું કે મારા કહેવાનો અર્થ પાર્ટીમાં નહીં પરંતુ રાજનીતિમાં સ્વાગત છે તેમ હતો.
ઉલ્લેખનીય છે કે, વધતી બળાત્કારની ઘટનાઓ અંગે ટિ્‌વટ કર્યા બાદ જુલાઇ ૨૦૦૯માં જ તેમણે નોકરી છોડવાનો સંકેત આપી દીધો હતો. ફૈસલે ગયા વર્ષે રેપની ઘટનાઓ અંગે ટિ્‌વટ કર્યા બાદ જમ્મુ-કાશ્મીર સરકારે કેન્દ્રની સરકારના ઇશારે કાનુની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી કેન્દ્ર સરકારના કાર્મિક અને તાલીમ વિભાગના કહેવા પર કરવામાં આવી હતી.