(એજન્સી) નવી દિલ્હી, તા.૬
જેએનયુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કોંગ્રેસ મુખ્યમથકે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગત રાતે નકાબધારી ગુંડાઓ જેએનયુમાં ઘૂસ્યા, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો આનાથી ભયાનક કાંઇ ના હોઇ શકે. આ કેસમાં પોલીસ કમિશનરની જવાબદારી છે. આ સંપૂર્ણ રીતે ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે. અમારી માગ છે કે, ઘટનામાં દોેષિતોને પકડીને તેમને આકરામાં આકરી સજા આપવામાં આવે અને પીડિયોને ન્યાય અપાય. ચિદમ્બરમે કહ્યું કે, મેં આ ઘટનાને ટીવી પર જોઇ. હું ચકિત હતો કે દિલ્હીમાં યુનિવર્સિટીમાં ૫૦ નકાબધારી ગુંડાઓ ઘૂસે છે અને હુમલો કરે છે. સવાલ એ છે કે, પોલીસ કમિશનર ક્યાં હતા? ચિદમ્બરને નાગરિકતા કાયદા મુદ્દે પર પણ કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, સરકાર કહે છે કે, વિપક્ષ તરફથી સંસદમાં સવાલ કરાયા નથી. ચિદમ્બરમે કહ્યું કે, અમે સવાલ પૂછ્યા હતા પણ એક પણ સવાલનો જવાબ સરકારે આપ્યો નથી. જો સરકારે જવાબ આપ્યો હોય તો તેને સામે લાવવામાં આવે. કાયદામાં અનેક ખામીઓ છે. આખરે આમાં મુસ્લિમોને સામેલ કેમ નથી કરાયા. આવા અનેક સવાલ છે કે, જેનો સરકારે અત્યારસુધી જવાબ આપ્યો નથી અને ઉલ્ટાનું વિપક્ષ પર સવાલ ઊભા કરાય છે.