(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. આપની જીત અંગે મોટાભાગના કોંગ્રેસ નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે અને ભાજપની આકરી ટીકા કરી છે. આ અંગે કોંગ્રેસમાં પણ આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમે આપની જીત અંગે ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, આપનો વિજય થયો અને જનતાને છેતરવા અને લાંબી-લાંબી ફેંકનારાઓની હાર થઇ. એવું જ નિવેદન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ આપ્યું છે. જોકે, ચિદમ્બરમના આ ટિ્‌વટ સામે દિલ્હી મહિલા કોંગ્રેસના અધ્યક્ષ શર્મિષ્ઠા મુખરજીએ સવાલ ઉઠાવ્યા છે. શર્મિષ્ઠા મુખરજીએ ચિદમ્બરમના ટિ્‌વટ સામે રિટિ્‌વટ કરતા લખ્યું કે, સર હું બસ એટલું જ જાણવા માગું છું કે, કોંગ્રેસે રાજ્યોમાં ભાજપને હરાવવાનું કામ બીજાને સોંપેલું છે કે શું? જો આવું નથી તો પછી આપણે આપણી હારના સ્થાને આમ આદમી પાર્ટીની જીત પર ગર્વ કેમ અનુભવી રહ્યા છીએ? જો કામ બીજાને સોંપ્યું હોય તો પછી આપણે આપણી પ્રદેશ કોંગ્રેસ કમિટીઓની દુકાનો બંધ કરી દેવી જોઇએ.