(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે જણાવ્યું કે, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વર્ષ ર૦૧૪ની સામાન્ય ચૂંટણી બાદ સ્વાભાવિકપણે વડાપ્રધાનના દાવેદાર હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ર૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. પરંતુ એમના પહેલાં બહારનો વ્યક્તિ રાજકીય ચાતુર્યને કારણે ભાજપનો નેતા બની ગયો હતો અને એણે સુષ્મા સ્વરાજના વડાપ્રધાન પદના માર્ગ અડચણો ઊભી કરી હતી. બાદમાં એ જ વ્યક્તિ વડાપ્રધાન બની ગયા. ચિદમ્બરમે કહ્યું કે, સુષ્મા સ્વરાજ વર્ષ ર૦૦૯થી ૧૪ સુધી વિપક્ષના નેતા રહ્યા. આગામી સામાન્ય ચૂંટણીઓમાં જો વિપક્ષી દળ ચૂંટણી જીતી જાય તો લોકશાહીના પરિપત્ર અનુસાર વિપક્ષનો નેતા સ્વાભાવિક રીતે જ વડાપ્રધાન બને છે.
ચિદમ્બરમે જણાવ્યું કે, કેન્દ્રમાં પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા બાદ સુષ્મા સ્વરાજને વિદેશમંત્રી પદ પર નિયુક્ત કરવામાં આવ્યા પરંતુ વિદેશમંત્રાલય તો વડાપ્રધાનના કબજામાં જ રહ્યું. સુષ્માને વિદેશનીતિ પર કામ કરવાની તક આપવામાં આવી નહીં. આ દરમિયાન સુષ્માએ વિદેશમાં ફસાયેલા અને જેલોમાં બંધ ભારતીયોને સ્વદેશ પરત લાવવાની નવીનતમ કામગીરી કરતા એમની લોકપ્રિયતા વધી એ જોતા વિદેશનીતિમાં એમને નબળા પાડવાના કોઈના પ્રયાસો સફળ થયા નહીં.